સોલડી ટોલટેક્સ પાસે યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા, ગ્રાહકો બાબતે માથાકૂટ નડી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ નજીક અવાવરૂ જગ્યાએ પશ્ચિમ બંગાળની 46 વર્ષીય રૂકશાનાબેન ખાતુનની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. રવિવારે મોડી રાત્રે ગ્રાહકોને લઈ સર્જાયેલી માથાકૂટમાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે છરીના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ધોળીધાર વિસ્તારમાં રહેતા આરોપી મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને દબોચી લીધો છે. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતે પણ આ વ્યવસાય સાથે જોડાયેલો હતો અને ગ્રાહકોના મામલે થયેલી રકઝક હત્યામાં પરિણમી હતી. હાઈવે પર વર્ષોથી ચાલતા આ ગોરખધંધા પાછળ કોની રહેમનજર છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઇન્ચાર્જ પીએસઆઈ ચુડાસમાના જણાવ્યા મુજબ, અન્ય યુવતીઓના નિવેદન અને મોબાઈલ રેકોર્ડ્સની તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.માહિતી મળતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતક યુવતીની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ રૂકશાનાબેન ખાતુન (ઉંમર 46 વર્ષ, રહે: પશ્ચિમ બંગાળ) તરીકે થઈ છે. ઘટના અંગે મૃતક યુવતી સાથે દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલી અન્ય યુવતીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોડીરાત્રે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને ગ્રાહકો બાબતે માથાકુટ સર્જાઈ હતી. દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા શખ્સે રૂકશાનાબેન પર છરી વડે હુમલો કર્યો હતો અને ઘટના બાદ નાસી છૂટ્યો હતો. પોલીસે અન્ય યુવતીઓના નિવેદન તેમજ મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં રહેતા મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉંમર: 32 વર્ષ)ને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઇન્ચાર્જ પીએસઆઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે આરોપી યુવક પણ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રવિવારે રાત્રે ગ્રાહકો નહીં મળતા યુવતીઓ જ્યાં હાઈવે પર દેહવ્યાપાર કરતી હતી ત્યાં જઈ ગ્રાહકોને લઈને માથાકુટ થઈ હતી, જેના પગલે ઉશ્કેરાઈ જઈ યુવતીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
7 વર્ષથી ચાલતો હતો ગોરખધંધો: હાઈવે પરની ગેરકાયદે પ્રવૃત્તિમાં અનેક મોટા માથાઓની સંડોવણીની શંકા
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર છેલ્લા સાતેક વર્ષથી દેહવ્યાપારનો ગોરખધંધો ચાલતો હોવાની ચર્ચાઓ સ્થાનિક સ્તરે સામે આવી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોની રહેમનજર હેઠળ ચાલી રહી છે તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ દેહવ્યાપાર સાથે સંકળાયેલી યુવતીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ તપાસવામાં આવે તો અનેક મોટા માથાઓ સાથેના સંપર્કો પણ સામે આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



