શાળાના શિક્ષકો અને આચાર્ય જ વિદ્યાર્થીઓ પાસે તગારા ઉપાડી મજૂરી કરાવતા હોય અને પોતાની ગાડી સાફ કરાવી રહ્યાનો વિડીયો વાયરલ
બાળમજૂરી કરાવતાં જવાબદાર આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
મઘરવાડા પ્રા. શાળાના નાના ભૂલકાઓ પાસે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે. બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ આચાર્ય તેમની ગાડી સાફ કરાવવી, વાસણ સાફ કરાવવા સહિતના અનેક મજૂરી કામો નાના ભૂલકાઓ પાસે કરાવી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ મઘરવાડા પ્રા. શાળાના આચાર્ય તેમજ અન્ય શિક્ષકની બદલી ન કરી આપવા અને રોજમેળમાં કરેલા ભ્રષ્ટાચારની યોગ્ય કરવા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને મઘરવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મઘરવાડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવાનો, માટીકામ ઢગલા ઉપાડવા અને વાસણ સાફના વાયરલ વીડિયો અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શ્રમિકોનું કામ નાના ભૂલકાઓ પાસેથી કરાવે તે શિક્ષણજગત માટે શરમજનક અને કલંકિત છે. સરકાર શાળાઓને તમામ નાના-મોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતાં જે કામ શ્રમિકો પાસે કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાસ્થ્ય પર ગંભીર છેડા સમાન છે. હદ તો ત્યાં વટી ગઈ કે પ્રિન્સિપલની ગાડી સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોંકાવનારા છે. જે ભૂલકાઓના વાલીના ટેક્સના પૈસાથી જે શિક્ષકોના પગાર થાય તે શિક્ષકો આ રીતે ગુલામી નીતિથી વર્તન ખૂબ જ દુ:ખદ છે. જે શિક્ષકો બાળમજૂરી કરવી ગુનો અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ના લેવાય. રાજપૂતે વધુમાં જણાવ્યું કે આ બાબતે કોઇ પ્રથમ ઘટના નથી, રાજ્યમાં છાશવારે બને છે છતાં શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરતું નથી એટલે જ આ સિલસિલો યથાવત છે. અમે રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અંગે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા રજૂઆત કરવાના છીએ.
ફરજિયાત શિક્ષણ બાળમજૂરી વિરોધી કાયદાઓ પણ બનાવાયા છે પરંતુ તે કાગળ ઉપર જ છે. બાળપણમાં ખેલકૂદની સાથે-સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાક હિટલર શિક્ષકો નાનકડા ભૂલકાઓ અભ્યાસ સાથે કારમી મજૂરી કરીને પીસાય છે તે કડવી વાસ્તવિકતા છે જે અટકાવવી સમાજ માટે ખુબ જ અતિઆવશ્યક છે તેવું અંતમાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
- Advertisement -
મઘરવાડા પ્રા. શાળાના રોજમેળમાં પણ ભ્રષ્ટાચાર
રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની મઘરવાડા પ્રા. શાળામાં આચાર્ય દિપકભાઈ વાછાણી તેમજ આ.શિક્ષક હંસાબેન ટીલાવત, રવિદાસભાઈ નિરંજની આ ત્રણે શિક્ષકો મળીને અન્ય આ.શિક્ષકોને દબાણ કરે છે તેમજ સ્કૂલના બાળકો પાસે સ્કૂલના તમામ કામકાજ કરાવે છે જેના વિડીયો પણ છે. ઉપર મુજબના નામજોગ આચાર્ય તેમજ આ.શિક્ષકના ત્રાસથી બીજા જે આ.શિક્ષકો છે તેમણે પોતાની બદલી કરવા માટે પણ અરજ કરેલ છે. તો જે શિક્ષકોએ બદલી કરવા માટે અરજ કરેલી છે તેમની બદલી કરવા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. શાળાના આચાર્ય તેમજ આ.શિક્ષક દ્વારા જે રોજમેળ લખેલો છે તે રોજમેળમાં જે ગ્રાન્ટ ઉધારવામાં આવેલ છે તે પ્રમાણેની એક પણ વસ્તુ સ્કૂલમાં જોવા મળેલી નથી તેમજ ગ્રામ પંચાયત દ્વારા દફતર તપાસ કરતાં વાઉચર ફાઈલમાં પણ કોરાલીસ્ટ તેમજ બીલમાં તારીખ પણ નાખેલી નથી તે પ્રમાણે જોવા મળેલો છે.
જેના ઉપરથી એવું જાણવા મળ્યું છે કે ઘણો બધો ભ્રષ્ટાચાર થયેલો હોવાનું જોવા મળ્યું છે તેમજ એસએમસીની મીટીંગના બીલો પણ ખોટા ઉધારેલ જોવા મળેલા છે તેમજ એસએમસીના સભ્યો તેમજ અધ્યક્ષની ઠરાવ કર્યા પહેલા સહી કરાવી લેવામાં આવતી તેવું એસએમસીના સભ્યો પાસેથી જાણવા મળેલ છે જે મુજબની ગ્રાન્ટ આવેલ છે તેમજ તે ગ્રાન્ટ રોજમેળમાં ઉધારેલા છે તે મુજબના કોઈ પણ સાધનો સ્કૂલમાં તપાસ કરતા જોવા મળેલા નથી. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા વાઉચર ફાઈલ માગવામાં આવેલી ત્યારે વાઉચર ફાઈલ સ્કૂલમાં હાજર ન હતી અને તે તેમને ઘર પર હતી. જે વાઉચર ફાઈલ મંગાવીને રોજમેળ તેમજ વાઉચર ફાઈલ ગ્રામ પંચાયતમાં જમા લઈ લેવામાં આવેલા છે જેની અંદર અલગ અલગ સ્ટેશનરી તેમજ એજન્સી તેમજ ટ્રાન્સપોર્ટેશનના વિવિધ પ્રકારના કોરા તેમજ તારીખ વગરના બીલો પણ જોવા મળેલા છે. જે સ્કૂલમાં ફાઈલ તેમજ રોજમેળ ચેક કરવામાં આવ્યા તેનું મોબાઈલ વિડીયો શુટીંગ પણ કરવામાં આવેલું છે આમ આ અંગે યોગ્ય પગલાં લેવા મઘરવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.