અમદાવાદમાં 24 વર્ષનો યુવક, કપડવંજમાં 17 વર્ષનો કિશોર, વડોદરામાં 55 વર્ષના આધેડનું ગરબા રમતાં મોત
રાજકોટમાં જેલ કર્મી અને એક બિલ્ડરનાં તો દ્વારકામાં બેનાં હૃદય બંધ પડ્યાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમતાં રમતાં ત્રણ લોકોને હાર્ટ-એટેક આવતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદનો 28 વર્ષીય યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતા. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યો હતો. તો કપડવંજમાં 17 વર્ષીય કિશોરને પણ ગરબા રમતી વેળાએ હાર્ટ-એટેક આવતાં મોત નીપજ્યું હતું. ઉપરાંત વડોદરામાં સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડના મોતથી ચકચાર મચી ગઇ હતી. આ સાથે રાજકોટમાં વધુ 2ના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં શખસ મોતને ભેટ્યો હતો, તો અન્યમાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. આ સાથે જ દ્વારકામાં પણ બે વ્યક્તિનાં હાર્ટ-એટેકથી મોત થયાંની નોંધ થઈ છે. નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 7 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે.
રાજકોટમાં જેલ કર્મીનું ચાલુ ફરજે તો બિલ્ડર જયેશ ઝાલાવડિયાનું બેભાન થયા બાદ મોત
રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં સવાઇસિંહ હાલાજી સોઢાનું મોત નીપજ્યું હતું. મૃતક મૂળ નખત્રાણા પંથકના વતની અને બોર્ડર વિંગ બટાલિયન 2માં સી-કંપનીમાં ફરજ બજાવતા હતા. રાજકોટમાં 24 કલાકમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા (ઉં.વ. 44)ને તેમના નિવાસસ્થાને સવારે 7 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયા હતા. જેઓને પરિવારે બેભાન અવસ્થામાં હોસ્પિટલ સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
માતાને બે કલાકમાં આવું કહી યુવક ઘરેથી નીકળ્યો ને…
અમદાવાદના નારોલમાં રહેતો 28 વર્ષીય યુવક રવિ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિના પરિવારમાં તેની માતા જ હતી. રવિના આધારે જ ઘરનું ગુજરાન ચાલતું હતું. માતાનો એકનો એક સહારો ગઈકાલે રાતે ‘હું ગરબા રમવા જઉં છું, 2 કલાકમાં પરત આવીશ’ કહીને ઘરેથી નીકળ્યો હતો. તે તેના 7-8 મિત્ર સાથે હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો, જ્યાં ગરબા રમતાં રમતાં અચાનક જ રવિ પાર્ટીપ્લોટમાં ઢળી પડ્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને રવિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા 108ને પણ ફોન કર્યો હતો, પરંતુ તેનું સ્થળ પર જ મોત થયું હતું. માતાને 2 કલાકમાં આવવાનું કહીને પરત ના આવનારા દીકરાની માતા રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ માતાને દીકરાના મોતના સમાચાર મળ્યા હતા. એકના એક દીકરાનું મોત થતાં માતાએ દીકરો ગુમાવ્યો છે તથા જીવનભરનો સહારો પણ ગુમાવ્યો છે.
કપડવંજમાં ગરબે ઘૂમતાં ઘૂમતાં જ કિશોર ઢળી પડ્યો
અન્યમાં ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા સામાજિક કાર્યકર રિપલ શાહનો 17 વર્ષીય પુત્ર વીર ગતરોજ છઠ્ઠા નોરતે ગરબા રમતો હતો, જેમાં એકાએક હાર્ટ-એટેક આવતાં ચાલુ ગરબાએ ગરબાના ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ હતું. આ જોઈ આસપાસના ખેલૈયાઓ તેમજ ગરબા-આયોજકો દોડી આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.