રાજ્યભરમાંથી બહેનો 73 હજારથી વધુ રક્ષાસુત્ર વડાપ્રધાનને મોકલી દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી તેમના દીર્ધ આયુષ માટે પ્રાર્થના કરવામાં આવશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દિપિકા સરડવા દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ડો.દિપિકા સરડવાએ સંબોધન કરતા જણાવ્યું કે, આવનાર દિવસમાં ભાઇ-બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. તે સંદર્ભે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજયભરની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગર, વોર્ડ અને મંડળ સ્તરે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતન તેમજ નગરપાલિકાની બહેનોએ જાતે રાખડી બનાવી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચાડી છે. તે રાખડીઓને દિલ્હી મોકલવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે, ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. મહિલા મોરચાના બહેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધઆયુ જીવન માટે પ્રાર્થના કરશે. આજથી રક્ષાબંધન સપ્તાહનો પ્રારંભ થનાર છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રક્ષાસુત્ર બાધવામાં આવ્યા છે.
30મી તારીખ રક્ષાબંધનના દિવસે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો રાખડી બાંધવા જશે. આ સપ્તાહમાં સમાજની સુરક્ષા પ્રદાન કરતા સુરક્ષા કર્મી, પોલીસ વિભાગના ભાઇઓ તેમજ કચ્છ અને નડ્ડાબેટ ખાતે સેનાના ભાઇઓને બહેનો રાખડી બાંધશે. મહિલા મોરચાના કાર્યકર બહેનો દ્વારા વૃક્ષને રાખડી બાંધી તેમના ઉછેર અને જતનનો સંકલ્પ કરે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાનને રક્ષાબંધનની શુભકામના સાથે લોકસભા ચૂંટણીમાં આ વખતે 400થી પણ વધુ બેઠકો જીતે તે માટે શુભેચ્છા સાથે પત્ર મોકલવામાં આવશે.
- Advertisement -