ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સી ખાળવા ભાજપનો એક્શન પ્લાન
નો રિપિટ થિયરી અને ઉંમરબાધથી ઘણા ધારાસભ્યો પર લટકતી તલવાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તાવિરોધી લોકજુવાળનો સામનો કરવો પડે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બહુ લાંબા સમય પછી શહેરોમાં ભાજપ વિરુદ્ધ અંડરકરંટ અનુભવાઈ રહ્યો છે. ગુજરાત ભાજપ માટે લેબોરેટરી છે. અહીં નેતૃત્વના નવા-નવા પ્રયોગો થતા રહે છે. એ પ્રયોગના ભાગરૂપે મોદી-શાહની જોડીએ એક નવો નિર્ણય કર્યો છે.
એન્ટી ઈનકમ્બન્સી ખાળવા માટે 50 ટકા કરતાં વધુ એટલે કે અંદાજે 90થી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી તેમના સ્થાને નવા ચહેરાઓને તક અપાશે. આવું કરવાથી 27 વર્ષ જૂની સત્તા ટકી રહેશે કે અસંતોષના જ્વાળામુખી ઓર પ્રતિપ્ત થશે તે જોવાનું રહે છે.
કોરોનાના બીજા ફેઈઝ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં. તેમના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. 2017માં ભાજપને 99 બેઠક મળી હતી.
આ વખતે આ આંકડો વધારે ગગડવાની ભીતિ હોવાથી જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વારંવાર દિલ્હીથી ગુજરાત હડીયાપટ્ટી કરી રહ્યા છે.તેમનો આ પરિશ્રમ ગુજરાતમાં ભાજપની ડૂબતી નૈયાને બચાવી શકશે કે નહીં, તે તો આવનારો સમય જ કહેશે.