PMની મુલાકાત પછી હોદ્દો છીનવી રવાના કરાયા, તમામ જવાબદારી રજની પટેલને સોંપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપમાં ભ્રષ્ટાચારનું પત્રિકાયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે, આથી ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. પ્રદીપસિંહે 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાનું ઇઉંઙના રાષ્ટ્રીય સંગઠન નેતાએ જ સ્વીકાર્યું છે. તેઓ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. તેઓ કમલમ કાર્યાલયનો કારભાર સંભાળતા હતા. પ્રદીપસિંહને તમામ હોદ્દા પરથી રવાના કરી દેવામાં આવ્યા છે અને અત્યારે સંગઠનની તમામ જવાબદારી ઉત્તર ઝોનના રજની પટેલને સોંપી દેવામાં આવી છે.
- Advertisement -
તાજેતરમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદીપસિંહ વાઘેલાએ તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાજીનામું આપ્યાની ચર્ચા ઊઠી છે.
સાત દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધાની ચર્ચા
પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતાં રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ચાર મહિના પહેલાં જ ભાર્ગવ ભટ્ટને પણ હટાવાયા હતા
હજુ ચાર મહિના પહેલાં જ મધ્ય ગુજરાત વિસ્તાર ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને તેમના પદ પરથી હટાવી દેવાયા હતા. વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પરના પથ્થરમારાની ઘટનાથી સરકાર અને ભાજપની બદનામી થઈ હતી. તોફાનોમાં તંત્રની કામગીરીમાં ચંચુપાત અને તોફાનીઓને કહેવાતા પીઠબળની નોંધ પ્રદેશ અને કેન્દ્રમાં પહોંચતાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. તોફાનોને લઇને કેન્દ્રીય નેતાગીરીએ પ્રદેશમાંથી વિગતો માગી હતી, જેમાં શહેર ભાજપના મોટાં માથાંને ઠપકો મળ્યો હતો. પોલીસ કાર્યવાહીની વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રીએ મેળવી હતી.