જે કદી નહોતું થયું એ આ વખતે થયું
ખાસ-ખબર સંવાદદાતા
ખરેખર આ ચૂંટણીમાં ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડી દેખાડ્યો છે. સૌથી પહેલી વાત તો એ છે કે ભાજપે તેના અને ગુજરાત બંનેના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર 150થી વધુ બેઠકો જીતી છે, પરંતુ એનાથી પણ મોટી સિદ્ધિ એ 5 બેઠક છે, જે ભાજપે આ વખતે જીતી છે. યાદ રહે, આ એવી 5 બેઠક છે, જેને ભાજપ ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી આજસુધી કદી જીતી શક્યો નથી. 2002માં નરેન્દ્ર મોદીનો જુવાળ હતો અને ભાજપે 127 બેઠક જીતી હતી. ત્યારે પણ આ 5 બેઠક તો ભાજપ નહોતો જ જીતી શક્યો.. તો ચાલો… જાણીએ આ 5 બેઠક કઈ છે અને કેમ અત્યારસુધી ભાજપ એ ન જીતી શક્યો અને આ વખતે ભાજપ વતી એ કોણ જીત્યું.
- Advertisement -
સીટ-1 બોરસદ
બોરસદની સીટ આણંદ જિલ્લામાં આવેલી છે, જે પટ્ટો સામાન્ય રીતે કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે. ગુજરાત અલગ પડ્યું એ પછી બોરસદની સીટ પરની પહેલી ચૂંટણી સ્વતંત્ર પાર્ટીના મગન પટેલ જીત્યા હતા.
સીટ-2 ઝગડિયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મતક્ષેત્રની એક મોટી ખાસિયત છે. 2002 સુધી બધા વસાવા અટકધારી વિજેતા કોંગ્રેસના હતા, જે ક્રમ છોટુ વસાવાએ તોડ્યો હતો. જોકે આ વખતે રિતેશ વસાવાએ ભાજપનું મહેણું ભાંગતાં ઝગડિયા બેઠક કબજે કરી છે.
સીટ- 3 વ્યારા
વ્યારા બેઠક પર વચ્ચે 2002માં એક વખત અમરસિંહના પુત્ર તુષાર ચૌધરી પણ જીત્યા છે. જોકે અત્યારસુધી પ્રતાપ ગામીત એકમાત્ર એવા ઉમેદવાર છે, જે અપક્ષ તરીકે ચૂંટાયા છે. આ આખો ક્રમ હવે મોહન કોંકણીએ તોડ્યો છે, જેઓ આ ચૂંટણીમાં વિજેતા થયા છે.
- Advertisement -
સીટ-4 મહુધા
મહુધાની સીટ ખેડા જિલ્લામાં આવેલી છે, જેને મતદારો નટવરસિંહની સીટ તરીકે પણ ઓળખે છે. મહુધાની બેઠક 1972ની ચૂંટણીમાં પહેલીવાર અસ્તિત્ત્વમાં આવી હતી. ત્યાં સુધી તે ખેડાની બેઠકમાં જ સામેલ હતી. બેઠક પર કોંગ્રેસ વતી નટવરસિંહ ઠાકોર લાગલગાટ છ વખત જીતી ચૂક્યા છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો જાળવવામાં મહુધા બેઠકના ઠાકોર મતદારોનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. જોકે સંજયસિંહ મહિડાએ આ વખતે મહુધા બેઠક પર ભગવો લહેરાવ્યો છે અને આ કારણે જ આ બેઠક ભાજપ માટે મહત્ત્વની છે.
સીટ- 5 ગરબાડા
ગુજરાત અલગ થયું ત્યારથી 52 વર્ષ સુધી ગરબાડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી નહોતી. 2012માં નવા સીમાંકન બાદ ગરબાડા બેઠક દાહોદ જિલ્લાની સ્થાપના સાથે અલગ કરવામાં આવી હતી. આ બેઠક પર સળંગ બે ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકા બારિયાએ જીત મેળવી છે. જોકે ત્રીજી વખતની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર ભાભોરે બાજી મારી લીધી છે. અલબત્ત, દાહોદ જિલ્લાની તમામ છ બેઠક પર ભાજપે જીત મેળવી છે.