હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…
રાજકોટ વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવે કારના બોનેટ પર બેસી પિતાની રિવોલ્વર કમરે ટીંગાડી રિલ્સ બનાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં યુવાધન રિલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસી ફોનમાં વાત કરતો હોય એવી રિલ્સ બનાવી છે. આ રિલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી. આ રિલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે.
જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો અને કમરે રિવોલ્વર ટીંગાડી રિલ્સ બનાવી હતી. એટલું જ નહીં, નેતાના પુત્રે થોકબંધ તસવીરો ખેંચાવી એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી, પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં રિવોલ્વર લઇને તેની તસવીર ખેંચાવી એને ફરતી કરવી તે ગુનો નહીં હોય એવું આગેવાનનો પુત્ર માનતો હશે અથવા તેને તેનાં માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઇ નહીં કરી શકે એવો વહેમ હશે, પરંતુ રવિવારે સાંજે આ તસવીર ફરતી થતાં પોલીસ હરકતમાં આવી હતી.
રિલ્સમાં શું જોવા મળે છે?
રિલ્સમાં જીજે-03-એમબી-1009 નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠો હોય એમ નિલેશ નજરે પડે છે. રિલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળે છે તેમજ રિલ્સમાં શરૂઆતમાં ‘અરે ખબર નહીં ક્યાં રૂપમાં આવીને વઇ જાય છે, હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…મારા બોલતાં પહેલાં કરી જાય છે’ એવો અવાજ સંભળાય છે અને બાદમાં ‘જય હો મેલડી મા’નું ડાકલાં સાથે ગીત વાગે છે. વિડીયોનાં અંતે મેલડી માતાજીનો ફોટો પણ રાખ્યો છે. નિલેશ જે કાર પર બેઠો છે એના આગળના ભાગે ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (છ.ખ.ઈ) લેખલી નેમપ્લેટ છે.
- Advertisement -
પોલીસ કોઈ કાર્યવાહી કરશે?
ઈન્સ્ટાની રિલમાં નિલેશ જાદવ જે રિવોલ્વર સાથે સીનસપાટા કરી રહ્યો છે તે રિવોલ્વરનો પરવાનો તેનાં પિતા મનસુખભાઈ જાદવનો હતો. નિલેશ પાસે હથિયાર પરવાનો નથી. ગુનાહિત બેદરકારી દાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.
માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઈ નહીં કરી શકે એવો વિશ્ર્વાસ રાખી નિલેશ જાદવે ઉતારેલી રિલ જોવા અહીં ક્લિક કરો…