રાજકોટ મેયરને પ્રશ્ન પૂછયો, જેનો જવાબ સાંસદ રામ મોકરિયા આપવા લાગ્યા
ચૂંટણી પરિણામ બાદ ભાજપે કોઈપણ પ્રકારની ઉજવણી ના કરવાનો નિર્ણય લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
શહેરના કાલાવડ રોડ પર ગત શનિવારના રોજ ગેમ ઝોનમાં ભભૂકી ઉઠેલી આગમાં 30 જેટલા નિર્દોષ નાગરિકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સત્તાધારી ભાજપ નેતાઓ પર લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. એવામાં આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ભાજપ નેતાઓને જવાબ આપવાના પણ ફાંફા પડ્યા હતા. હકીકતમાં આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ચૂંટણી પરિણામ બાદ ભાજપ દ્વારા કોઈ વિજયોત્સવ નહીં ઉજવવાની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં મુકેશ દોશી ઉપરાંત રાજકોટના મેયર નયનાબેન પીઢડીયા, કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલા તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ઉપસ્થિત રહ્યાં હતા. મીડિયાને સંબોધતા મુકેશ દોશીએ જણાવ્યું કે, ગત 25ના રોજ રાજકોટના TRP ગેમ ઝોનની અંદર દુ:ખદ ઘટના બની ગઈ. અત્યારે 18મી લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે. જેનો સાતમો તબક્કો 1લી જૂનના રોજ પૂરો થશે. 4 જૂને ચૂંટણીનું પરિણામ આવશે. એવામાં રાજકોટ ભાજપે પરિણામ બાદ કોઈપણ પ્રકારની ઉજવણી ના કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સમયે મતદાન કેન્દ્ર પર જવાબદારી સોંપવામાં આવી છે, એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેશે. તેમના સિવાયના કોઈ કાર્યકર્તાઓ હાજર ના રહે તે અપીલ.
ચૂંટણી બાદ અત્યંત સાદગીપૂર્ણ માહોલ રહે તેવી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાની પણ માંગણી છે. આ સમયે કોઈ પત્રકારે ભાજપ નેતાઓને જણાવ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહીં, આસપાસના જિલ્લાઓમાં પણ જીતની ઉજવણી ના થવી જોઈએ. ગેમ ઝોન અગ્નિકાંડમાં માત્ર રાજકોટના જ નહીં, ધ્રોલ, ગોંડલ અને વેરાવળના લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક પત્રકારે મેયર નયનાબેનને પ્રશ્ન પૂછ્યો હતો કે, અગ્નિકાંડ બાદ મેયરને પ્રથમ વખત જોઈ રહ્યાં છે, જે ગંભીર બાબત નથી. જેના જવાબમાં સાંસદ રામ મોકરિયાએ જવાબ આપ્યો કે, જ્યારે અમને ખબર પડી ત્યારથી સાંજે 7 વાગ્યાથી ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી હોમ મિનિસ્ટર આવ્યા ત્યાં સુધી અમે હાજર હતા. જે બાદ અમે સૂચના મળી કે, 6 વાગ્યે ફરીથી મળીશું. જેથી અમે ન્હાઈને ફરીથી 6 વાગ્યે પરત આવી ગયા હતા. અન્ય એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે, અગ્નિકાંડમાં ભાજપના કેટલા વ્યક્તિઓ સંડોવાયા હતા?
- Advertisement -
જેની તમે તપાસ કરાવી છે, કારણ કે અધિકારીઓ પર પોલિટિકલ પ્રેશર હોવાનું સુત્રો કહી રહ્યાં છે. જેના જવાબમાં સાંસદ રામ મોકરિયા માત્ર એટલું જ બોલ્યા કે, આ બાબતે મારે કંઈ કહેવાનું નથી. આખરે ઉભા થતા-થતા રામ મોકરિયા ’એતો સરકાર નક્કી કરશે’ બોલ્યા તે સાથે જ ભાજપના તમામ નેતાઓ ચાલતી પકડી હતી. જણાવી દઈએ કે, અગ્નિકાંડ બાદ ઘટના સ્થળે પહોંચેલા ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાળાએ પણ મીડિયા સમક્ષ દાંત કાઢતા તેમની ભારોભાર ટીકા થઈ રહી છે. આ ઉપરાંત ગઈકાલે જ્યારે પરષોત્તમ રુપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં રોષે ભરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા. લોકોના આક્રોશને જોતા રુપાલા પણ ’તમે સાચા છો’-કહીને રવાના થઈ ગયા હતા.