ખાસ-ખબર સંવાદદાતા
કોચીંગ કલાસીસનો એટલો ક્રેઝ છે અને કોચીંગ કલાસવાળાઓનું એટલુ વર્ચસ્વ છે કે, અનેક કિસ્સાઓમાં કોચીંગ કલાસોમાં હાજરી ફૂલ રહેતી હોય છે અને સ્કુલોમાં હાજરી પાંખી રહેતી હોય છે. બિહાર સરકારે આ સમસ્યામાંથી તોડ કાઢયો છે. બિહારનું શિક્ષણ વિભાગ હાલમાં પોતાના નવા આદેશો અને નિર્દેશોને લઈને ચર્ચામાં છે. વિભાગનાં અપર મુખ્ય સચીવ કે.કે.પાઠકે બધા ડીએમને પત્ર લખીને નિર્દેશ કર્યો હતો કે, સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી કોચીંગ કલાસ નહિં ચલાવવાનાં નિર્દેશ આપ્યા છે. અપર મુખ્ય સચીવનાં આદેશને કોચીંગ કલાસો પર લગામ કસવાની કવાયત માનવામાં આવે છે. આ બાબતે વિભાગ ત્રણ તબકકામાં અભિયાન ચલાવશે. 1 થી 7 ઓગસ્ટ સુધીમાં જીલ્લાના બધા કોચીંગ કલાસોની યાદી બનશે. 8 થી 16 ઓગસ્ટ સુધી ડીએમ કોચીંગ કલાસોનાં સંચાલકોની મીટીંગ બોલાવાશે અને તેમને જાણ કરશે. ત્યારબાદ 16 થી 31 ઓગસ્ટ દરમ્યાન કોચીંગ કલાસનું નીરિક્ષણ કરવામાં આવશે.
દરમ્યાન આદેશનું ઉલ્લંધન થવા પર લેખીત ચેતવણી આપવામાં આવશે. 31 ઓગસ્ટ બાદ ચેતવણી છતા સુધારો નહિં થાય તો નિયમ મુજબ કાર્યવાહી થઈ. સ્કુલોમાં છાત્રોની ગેરહાજરીનું કારણ સરકાર કોચીંગ કલાસને માને છે. સરકારે સ્કુલોનાં સમય પર જ કોચીંગ કલાસ ચાલૂ રહેવાથી તેની અસર સ્કુલોમાં છાત્રોની હાજરી પર પડે છે. એવુ પણ કહેવામાં આવે છે કે કેટલાંક શિક્ષકો સ્કુલનાં સમયમાં જ કોચીંગ કલાસમાં ભણાવવા જતા હોય છે. તેમને રોકવા પણ શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે.