કોઈ આવારા તત્ત્વો પકડાશે તો આકરી કાર્યવાહી કરવાની નગરપાલિકાની ચેતવણી
ખાસ-ખબર સંવાદદાતા
લોકોમાં સમજણનો અભાવ અને વહીવટી તંત્રની અણઆવડતના લીધે મોરબીમાં ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ થવાના અને ગટરો ઉભરાવાના છાશવારે અનેક કિસ્સા સામે આવતાં પાલિકાએ ગટરો સાફ કરવાનું બીડું ઝડપ્યું છે અને સાફસફાઇ આદરી છે ત્યારે પાલિકાના સફાઈ અભિયાન દરમિયાન શનાળા રોડ પર ભૂગર્ભ લાઈનમાંથી મોટા પથ્થર, રેતીના બાચકા ઉપરાંત ગોદડા સહિતની વસ્તુઓ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
- Advertisement -
મોરબી નગરપાલિકા છેલ્લા થોડા દિવસોથી શહેરની ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનોની સફાઈ કરી રહી છે જેમાં મુખ્ય લાઈનોમાં જ મોટા પ્રમાણમાં કચરો જામ થયાનું સામે આવી રહ્યું છે. મોરબીનાં શનાળા રોડ તેમજ વીસીપરામાં ગટર સાફ કરવામાં આવી હતી. આ સ્થળેથી ગટરમાંથી મોટા પથ્થરો, રેતી ભરેલા બાચકા તેમજ ગોદડા નીકળ્યા હતા. ભૂગર્ભ ગટરમાંથી આવી વસ્તુઓ મળી આવતા જાણે કોઈ તત્વો ભૂગર્ભ ગટર ચોક અપ કરી દેવાનું ષડયંત્ર ચલાવી રહ્યા હોય તેવી પણ શંકા ઉપજી છે. બીજી તરફ નગરપાલિકા પણ આ બનાવને લઈને આકરા પાણીએ છે. જો આવી વસ્તુ ભૂગર્ભ ગટરમાં નાખતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરવાના પણ નગરપાલિકાએ નિર્દેશ આપ્યા છે.