મનપાના લિસ્ટ બહારના ઘણા એવા સર્કલો છે કે જે બને છે વાહનચાલકો માટે સમસ્યાનું કારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે જુદા જુદા ચોકમાં આવેલા મોટા સર્કલ ટૂંકા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરી દેવામાં આવી છે અને મોટા ટ્રાફિક આયલેન્ડ રિ-ડીઝાઈન કરવા ક્યા ચોકમાં વધુ જગ્યાની જરૂરિયાત સહિતના અભ્યાસ માટે મનપા અગાઉ સલાહકારો પાસે રિપોર્ટ તૈયાર કરાવી ચૂકી છે. ટ્રાફિક પોલીસ તંત્ર સાથે સંકલન કર્યા બાદ આવા દસ ચોકનું લિસ્ટ બન્યું છે જે પૈકી બે કે તેથી વધુ ચોકમાં કામ શરૂ થઈ ગયા છે પરંતુ બીજા પણ એવા નડતરરૂપ સર્કલ છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને મનપાના લિસ્ટમાં નથી. તેને પણ જો આ લિસ્ટમાં સમાવી લેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. શહેરમાં આવેલા 10 સર્કલ કપાશે જેમાંના રૈયા એક્સચેંજ ચોક, કોટેચા ચોક, ગ્રીનલેન્ડ ચોક, ભક્તિનગર સર્કલ, જિલ્લા પંચાયત ચોક, આજી ડેમ સર્કલ, અમૂલ સર્કલ (80 ફૂટ રોડ), ચુનારાવાડ ચોક સર્કલ, સોરઠીયાવાડી ચોક અને મોકાજી સર્કલ ચોકને નાના કરવામાં આવશે પરંતુ બીજીબાજુ હજુ પણ ઘણા એવા સર્કલ છે જે મનપાના ધ્યાન બહાર રહ્યા હોય. તેમાંનું એક છે 150 ફૂટ રીંગ રોડ પર રાધે હોટલ પાસે આવેલ ઉમિયા ચોક, સ્પીડવેલ પાસે આવેલ સર્કલ, બાલાજી ચોક પાસેનું સર્કલ, 150 ફૂટ રીંગ રોડ પાસે ખોડીયાર હોટલ પાસે આવેલ સર્કલ, એસ્ટ્રોન ચોક સર્કલ અને અમીન માર્ગ પાસે આવેલુ સર્કલ. આમ અન્ય ઘણા એવા સર્કલ છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અને અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.
- Advertisement -
વધુમાં વાત કરવામાં આવે તો કાલાવડ રોડના કોટેચા ચોક સર્કલની ડિઝાઈન પહેલેથી જ જેટ વિમાન સાઈઝની રહી. આ સર્કલ બન્યું ત્યારે ટ્રાફિક પ્રશ્ર્નના બદલે બ્યુટીફિકેશન પર ધ્યાન અપાયું હતું જેના કારણે ટ્રાફિક સર્જાવા લાગ્યો. હવે 150 ફૂટ રીંગ રોડના ઘણા ચોકમાં ટ્રાફિક સમસ્યા છે. ખાસ કરીને જ્યાં બ્રીજની શરૂઆત અને છેડો આવે છે તેવી જગ્યાએ ટ્રાફિક જામ થતાં હોય છે. આ પૈકી રૈયા ટેલિફોન એક્સચેંજ ચોકનો ટ્રાફિક તો અનેક દિવસોમાં ખૂબ જ દેખાતો હોય છે. આ ચોકમાં બે બ્રીજની વચ્ચે વિશાળ સર્કલ બનાવવામાં આવેલા છે. આમ હવે શહેરમાં આ સર્કલ ટૂંકાવવાનો ફાયદો જેટલો થશે તે તો તમામ સર્કલ ટૂંકાવ્યા બાદ જ ખબર પડે!