આવતીકાલે રાજકોટ ખાતે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીનો રોડ-શો અને જંગી જાહેરસભા
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે, જેથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ આ બાબતે જણાવ્યું કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.19/10ના રાજકોટ ખાતે રોડ-શો, જંગી જાહેરસભાને સંબોધન તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાપર્ણ કાર્યક્રમોના ઉદઘાટન પ્રસંગે પધારી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ’સૌનો સાથ,સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરવા શરૂ કરેલ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રહિતના લીધેલા નિર્ણયો દ્વારા દેશનો સર્વાંગિ વિકાસ થયો છે. દેશની વહીવટી પ્રક્રિયામાં આમુલ પરિવર્તન લાવી પારદર્શક વહીવટની પ્રણાલિ શરૂ કરી છે જે વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુકત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓના લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે જેથી છેવાડાના માનવી સુધી પહોચે એ માટે ઝડપથી વ્યાપકપણે કામ કરી રહ્યા છે અને આઝાદીના અમૃત વર્ષે ભારતે વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમજ વડાપ્રધાન મોદી બીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે તે દેશવાસીઓ માટે ગૌરવવંતી ક્ષણો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની મુલાકાત દરમ્યાન રાજકોટ-ભાવનગર રોડ પર ત્રંબા ખાતે ગઢકા ગામ નજીક અમૂલ ડેરીનો પ્લાન્ટ 500 કરોડના ખર્ચે સ્થાપના માટે તેનું ખાતુમુર્હુત કરવામાં આવશે.
- Advertisement -
ત્યારે આ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ શરૂ થતા હજારો બેરોજગારોને નોકરી મળશે. તેમજ રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે રીજનલ સાયન્સ મ્યુઝીયમ 90 કરોડના ખર્ચે વડાપ્રધાનના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. તેમજ રાજકોટથી ગોંડલ અને જેતપુર સુધીનો રસ્તોને 1200 કરોડના ખર્ચે સિકસ લેન બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુર્હુત વડાપ્રઘાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે તેમના ડ્રીમપ્રોજેકટ લાઈટહાઉસનું લોકાપર્ણ કરવામાં આવશે. આમ, આવતીકાલે રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ શહેર તેમજ જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાપર્ણ તેમજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને રેસકોર્ષ ખાતે વડાપ્રધાનની જાહેરસભામાં પધારવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ જાહેર અનુરોધ કરેલ છે.