M.Ed. સેમેસ્ટર-4નાં પરિણામમાં છબરડાંનો મામલો
શિક્ષણનું સ્તર સુધારવાને બદલે રાજકારણમાં રચ્યા પચ્યા રહેતાં યુનિવર્સિટીનાં તંત્રને વધુ એક તમાચો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરમાં ગત રોજ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવન એમ.એડ. સેમ.4ના જાહેર કરાયેલા પરિણામમાં થયેલા મહા છબરડાંના એક્સક્લુઝિવ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાબડતોબ પોતાનો છબરડો સુધારી શિક્ષણશાસ્ત્ર ભવન એમ.એડ. સેમ.4નું નવું પરિણામ જાહેર કર્યું હતું. આ છબરડાં અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, એમ.એડ. સેમ.4ના 12 વિદ્યાર્થીઓના સ્ટેટ વિષયના માર્કનો ડેટા ટ્રાન્સફર કરવામાં ચૂક થતા તેમના પરિણામમાં ક્ષતિ રહી ગઈ હતી જે સુધારી લેવામાં આવી છે અને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિ.માં આવેલા શિક્ષણશાસ્ત્ર ભવનના સેમેસ્ટર 4ના સ્ટેટિસ્ટિકલ મેથેડ ફોર એનાલિસિસ ઓફ ડેટાના ગત શનિવાર સાંજે જાહેર કરાયેલા પરિણામમાં આ વિષય રાખી પરીક્ષા આપનારા તમામ 12 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં સ્ટેટ વિષયના માર્કની જગ્યાએ અ00 અને પરિણામમાં ઋફશહ લખેલું આવ્યું છે. આ અંગે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયેલા એક્સક્લુઝિવ અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કલાકોની અંદર પોતાની ભૂલ સુધારી ક્ષતિગ્રસ્ત પરિણામની જગ્યાએ નવેસરથી સુધારેલું પરિણામ જાહેર કર્યું હતું અને વિદ્યાર્થીઓને પાસ જાહેર કર્યા હતા. હવે આગળ જોવું રહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ ભૂલ કરનાર જવાબદાર અધિકારી-વિભાગ પર શું પગલાં ભરવામાં આવશે.
વિદ્યાર્થીઓની ભૂલ પર દંડ કરાઈ છે, પરીક્ષા વિભાગની ભૂલ પર દંડ કરાશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી નાની અમથી ભૂલ કરે તો તેને કડક સજા કરવામાં આવે છે. કોઈપણ ભૂલ કરનાર વિદ્યાર્થી જોડે રહેમ રાખ્યા વિના કડક સજા કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના અધિકારીઓ-વિભાગની ભૂલો નજરઅંદાજ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ફી મોડી ભરે, ગેરશિસ્ત દાખવેતો તેને દંડ કરવામાં આવે છે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ અધિકારી-વિભાગ ભૂલ કરે તો તેમના પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા મહા છબરડાંમાં જવાબદાર અધિકારી-વિભાગ સામે પગલાં ભરાવવા જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ભૂલ પર દંડ કરાય છે ત્યારે પરીક્ષા વિભાગની ભૂલ પર દંડ કરાશે કે કેમ એ સમયે જ નક્કી થશે.
કુલપતિ ડો. ગિરીશ ભીમાણી કહે છે પરિક્ષા નિયામકને પૂછો: પરિક્ષા નિયામકનો ફોન રાબેતા મુજબ સતત વ્યસ્ત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના એમ.એડ. સેમ.4ના સ્ટેટ વિષયના વિદ્યાર્થીઓના માર્કસ મૂકવાનું ટેકનિકલ ખામીના કારણે રહી ગયાના ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ પરિક્ષા વિભાગે તાબડતોડ માર્કસ મૂકીને સુધારેલી માર્કશીટ વેબસાઈટ પર તો મૂકી દીધી પરંતુ આ બાબત માટે જવાબદાર વિભાગ- અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં યુનિવર્સિટીનું તંત્ર ઉણું ઉતર્યું છે. સમગ્ર મામલે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં તેઓએ પોતે મિટીંગમાં વ્યસ્ત હોવાનું જણાવીને રાબેતા મુજબ પરિક્ષા નિયામકને પૂછવાનું જણાવી દીધું હતું જ્યારે પરિક્ષા નિયામકનો સંપર્ક સાધવાના સતત પ્રયાસો છતાંય તેમને ફોન વ્યસ્ત જ આવતો રહ્યો હતો. વિદ્યાર્થીઓની કેરિયર સાથે રમત રમવાના આ બનાવના જવાબદારો સામે કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો મૌન છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીની છાપ કડક કુલપતિ તરીકેની છે. નાની-નાની ઘટનામાં પણ પ્લેસમેન્ટ કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં તેમનું વલણ કેમ ઢીલું છે? તે ચર્ચાનો વિષય બન્યું છે, ઉપરાંત આવી કોઈ ઘટના બને તો પગલાં લેવાની સત્તા કુલપતિને જ હોય ત્યારે પરિક્ષા નિયામકના નામે ‘ખો’ દેવાનું કારણ શું? એ સૌથી મોટો પ્રશ્ર્ન છે.