શહેરને એપ્રિલ-મે એમ બે માસ નર્મદાના નીર નહીં મળે: નર્મદા કેનાલમાં રિપેરિંગ માટે લેવાયો
રાજ્ય સરકાર દ્વારા 22 વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ માટેનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આગામી એપ્રિલ અને મે માસમાં ભરઉનાળે નર્મદાના નીર નહીં મળે તેવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ઉનાળામાં જ નર્મદાના નીર આપવાના બંધ કરવાનો નિર્ણય લેવાતા રાજકોટ શહેરમાં એપ્રિલ-મેમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની ભીતિ પણ સેવાઇ રહી છે.
- Advertisement -
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ગત 18મીએ ગુજરાતના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ અને અગ્રસચિવ તથા શહેરી વિકાસ અને શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને લેખિતમાં એપ્રિલ-મે માસ દરમિયાન નહેરોમાં પાણીનો પ્રવાહ બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થાના આયોજન બાબતે જાણ કરી છે અને તેના સંદર્ભે ગત તા.3જીએ મળેલી બેઠકનો અહેવાલ સુપ્રત કર્યો છે.સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી વર્ષ 2002થી વિવિધ વિભાગોને સિંચાઇ તથા પીવાનું પાણી અવિરતપણે પૂરું પાડવામાં આવે છે.
છેલ્લા 22 વર્ષથી 365 દિવસ કેનાલમાં 24 કલાક પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આથી ચાલુ પ્રવાહે કેનાલના ઇનર પ્રિઝમમાં મરામત કરવી શક્ય બનેલ નથી. જેના લીધે કેનાલમાં બ્રીક લાઇનિંગ ઊખડી જવી, સીપેજ અને લીકેજના પ્રશ્નો સમયાંતરે વધવા પામેલ છે. જેથી હવે કેનાલ મરામત કરવામાં ન આવે તો નહેરમાં ભંગાણ પડવાની શક્યતાઓ રહેલી છે.
આથી ભંગાણની સમસ્યા ન સર્જાય તે માટે નિવારાત્મક પગલાં તરીકે કેનાલના રિપેરિંગનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે ઉનાળામાં અન્ય સિઝન કરતાં પાણીનો વપરાશ દોઢ ગણોથી લઇને બે ગણો થઇ જતો હોય છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના આ નિર્ણયથી રાજકોટ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવો પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
સૌરાષ્ટ્રના અન્ય 10 જિલ્લામાં પણ પાણીની વિકટ સ્થિતિ સર્જાશે
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય 10 જિલ્લાઓ પણ મોટાભાગે નર્મદા પર આધારિત છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ચાર લિન્ક મારફત 11 જિલ્લાના 115 જળાશયને પાણીથી ભરવામાં આવે છે અને 10,22,589 એકરમાં સિંચાઇનો પણ લાભ મળે છે. જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, વલ્લભીપુર શાખા નહેર, માળિયા શાખા નહેર, ધ્રાંગધ્રા શાખા નહેર અને મોરબી શાખા નહેરમાંથી નર્મદાના નીર આપવાના બંધ કરવામાં આવશે તો રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય 10 જિલ્લાઓમાં પણ ભરઉનાળે પાણી માટે દેકારો બોલી જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.