પાલનપુરનું આંબાવાડી બેટમાં ફેરવાયું, નવસારીમાં પૂર્ણા નદીનાં પાણીએ પથારી ફેરવી
ખાસ-ખબર ન્યૂઝ ભરૂ ચ
- Advertisement -
ગુજરાત માટે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હોય તેમ 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે. બીજી તરફ આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે આંબાવાડી બેટમાં ફેરવાયું છે. જ્યારે નવસારીમાં પૂર્ણા નદીનાં પાણીએ પથારી ફેરવી છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ધાનેરા તાલુકાના મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચાર દિવસ ના વિરામ બાદ ફરી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મહીસાગર જિલ્લામાં ગતરોજ વહેલી સવારથી ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જિલ્લાના તમામે તમામ છ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસેલા વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે. જ્યારે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તેવામાં જિલ્લાના વીરપુર શહેરમાંથી પસાર થતી લાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. લાવેરી નદીમાં પૂર આવતા વીરપુર થી લીંબડીયા તરફ જવાના માર્ગ ઉપર આવેલ દરગાહ પાસે લાવેરી નદીના પાણી પહોંચ્યા હતા. દરગાહ તરફ જવાના માર્ગનો ગેટ જે છે તે અડધો ગેટ પાણીમાં ગરકાવ થયો હતો. લાવેરી નદીના પાણી દરગાહ તરફ જવાના માર્ગ ઉપર ફરી વળતા રસ્તો બંધ થયો હતો. પાલનપુરમાં વહેલી સવારે ત્રણ ઇંચ વરસાદ પડતાં આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીમાં ભારે નુકસાન થયું છે. જાહેર માર્ગ પર કમરસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને હાલાકી પડી રહી છે.