ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે તા. 15 ઓક્ટોબર, ભારત રત્ન અને મિસાઇલ મેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ દિવસ છે. 1931માં તમિલનાડુના રામેશ્વરમ ખાતે જન્મેલા અબુલ પાકીર જૈનુલ આબેદીન અબ્દુલ કલામને તેમના જન્મદિન નિમિત્તે હાર્દિક શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. ડો. કલામ કે જેઓ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત હતા, તેમણે અટલ બિહારી વાજપાઈની સરકારમાં પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
- Advertisement -
ડો. કલામે એક સમયે ઇન્ટરનેટ ઉપર દેશના લોકોને શ્રેષ્ઠ નાગરિક બનવા માટે ’શું આપની પાસે દેશ માટે દસ મિનિટ છે?’ શીર્ષક સાથે એક નિરાળો સંદેશો મૂક્યો હતો. આ સંદેશામાં તેમણે દેશવાસીઓની બેવડી માનસિકતા પર કટાક્ષ કર્યો હતો. તેમણે સિંગાપોર, દુબઈ, વોશિંગટન અને ટોકિયો જેવા શહેરોના ઉદાહરણો આપીને પૂછ્યું કે, આપણે વિદેશમાં નિયમોનું કડકપણે પાલન કરીએ છીએ, તો પછી ભારતની ધરતી પર પગ મૂકતાં જ સિગારેટનું ઠૂંઠું કે કાગળના ટુકડા કેમ ફેંકી દઈએ છીએ? તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બીજા દેશોમાં તમે પ્રશંસનીય નાગરિક બની શકો, તો ભારતમાં કેમ નહીં?
ડો. કલામે જણાવ્યું હતું કે આપણે સરકાર ચૂંટીને આપણી તમામ જવાબદારીઓ ખાલી કરી દઈએ છીએ અને આરામથી બેસી રહીએ છીએ, પરંતુ જમીન પર પડેલો કાગળનો ટુકડો કચરાપેટીમાં નાખવાની તકલીફ પણ ઉઠાવતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો ભારતે 2020માં વિકસિત થવું હશે, તો તે કેવળ યુવાનોના ખભા પર બેસીને જ થઈ શકશે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ માટે છ સૂત્રી પ્રતિજ્ઞા પણ આપી હતી, જેમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ, વૃક્ષારોપણ, દુ:ખી ભાઈ-બહેનોની સેવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રમાણિકતાથી પરિશ્રમ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે દેશની સાંસ્કૃતિક વિરાસત, જેમ કે ગીતા, રામાયણ અને અન્ય ધર્મગ્રંથો પર ગર્વ કરવા માટે પણ અપીલ કરી હતી.



