PI મયુરધ્વજસિંહ જાડેજાની ટીમે સોનાની બુટી, ઈયર બડ, બાઈક, મોબાઈલ સહિત 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.11.08.2023 ના રોજ માતા-દીકરી એક્ટિવા લઇ જતા હતા. ત્યારે આરોપીએ પાછળથી મોટર સાયકલ પર આવી યુવતી પાસે રહેલા પર્સની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જેમાં એક ઓપો કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન તથા સોનાની બુટ્ટી તથા રોકડ રૂ.4500 મળી કુલ રૂ.36,490ની જોટ મારી હતી. જે અંગે ભક્તિનગર પોલીસે આઇ.પી.સી કલમ 379(એ)(3) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત 15.08.2023 ના રોજ ભક્તિનગર સોસાયટીમાં પણ મહિલા પાસેથી પર્સની ચીલઝડપના ગુનામાં પોલીસે આઇ.પી.સી કલમ 379(એ)(3), 114 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ ભક્તિનગર પોલીસ ટીમ દ્વારા ટેક્નીકલ સોર્સીસ અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓની ઓળખ મેળવ્યા બાદ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મળી હતી કે, સી.સી.ટી.વી. કેમેરામાં જોવામા આવતા શકમંદ જયદીપ પરમાર તથા તેની સાથે તેનો સાગરીત પાર્થ વાઘેલા બંને થોડીવારમાં નંબર વગરનું મોટર સાયકલ લઇને ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બોલબાલા માર્ગ જલજીત હોલ પાસેથી પસાર થનાર છે. જે હકીકત આધારે જલજીત હોલ ખાતે તપાસમાં હતા. તે દરમિયાન બંને શખ્સો નંબર પ્લેટ વગરના બાઇક પર આવતા તેને અટકાવી શખ્સોની અંગજડતી કરતા બન્ને પાસેથી સોનાની બુટ્ટી, બે મોબાઇલ, રોકડા રુપીયા 1000 તથા વન પ્લસ કંપનીના આઇ પેડ (ઇયર બડ)મળી આવ્યા હતા.