મારો આર્થિક અને માનસિક ફાયદો ઊઠાવી ગઇ
મનમાંથી એણે રમેલી રમત ભૂંસાતી જ નથી
મેધા પંડ્યા ભટ્ટ
જ્યારે પણ હું કોઇ વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં થયેલી લાગણી સાથેની રમતને, તેની સાથે થયેલા વિશ્વાસઘાતની વાતને સાંભળું તો મને થાય કે અજાણ્યા લોકો સાથે વધારે સંપર્ક કેળવવો ભયજનક છે અને તેનાથી લોકોએ સતત સાવચેત રહેવું જોઇએ. પણ જ્યારે વોટ્સઅપમાં બનતા ગ્રુપોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, તેવી વાતો સાંભળવા મળી ત્યારે થોડો મને આંચકો લાગ્યો. મારા આર્ટીકલ હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર મૂકું છું. અનેક જગ્યાએ લીંક પણ ફોરવર્ડ થાય છે અને આ જ રીતે મારી લીંકમાં આવતા મારા નામથી, મને સોશિયલ મીડિયામાં શોધીને જયદીપે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો. તેણે મને તેની સાથે બનેલી ઘટના હું સાંભળુ અને તેની વિશે લખુ તે જણાવ્યું. મને કોઇ વાંધો નહોતો. મેં વાત સાંભળી અને ખરેખર થયું કે આ મોબાઇલની દુનિયા કેટકેટલાય લોકોની લાગણીઓ સાથે રમત રમશે. કારણકે આ તમામ એપ્સ તો મોબાઇલ આવ્યા પછી જ આવી છે. હું વધારે મોબાઇલનો વાંક કાઢવા નથી માગતી કારણકે તેનો ઉપયોગ વ્યક્તિએ કેટલો કરવો અને કઇ રીતે કરવો તે વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ પર આધારીત છે. આપણે જયદીપની વાત સાંભળીએ.
હું છેલ્લા પાંચ વર્ષથી એક ગ્રુપમાં જોડાયેલો છું. હું પોતે વાપી રહું છું પણ અમદાવાદ શહેરના આ ગ્રુપમાં જોડાયો છું કારણકે હું સાત વર્ષ પહેલા નોકરીના કારણે અમદાવાદ રહેતો હતો. હવે મારી બદલી વાપી થઇ હોવાથી અહીં એકલો રહું છું. હું સિંગલ છું અને લગ્ન માટે યુવતી શોધુ છું. અમારા ગ્રુપમાં અલગ અલગ ફિલ્ડના અનેક યુવકો, યુવતીઓ, પુરુષો અને મહિલાઓ છે. હું મોટાભાગે બધી મહિલાઓને બહેનના જ નામથી સંબોધન કરતો હોઉં છું. આ ગ્રુપમાં ચાર વર્ષ પહેલા જ્હાનવી કરીને એક યુવતી આવી. તે અમદાવાદમાં પીજીમાં રહે છે. રાજકોટના નજીકના કોઇ ગામડેથી અહીં શિફ્ટ થઇ છે અને એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. મને કવિતા અને ગઝલ લખવાનો શોખ છે તેથી હું મારા નામ સાથેની ગઝલો અને કવિતાની પંક્તિઓ સમય મળે ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. ગ્રુપમાં બધા જ એકબીજાને ગમતી પોસ્ટના વખાણ કરતા રહે છે. જે સામાન્ય બાબત છે. મારી પોસ્ટને લોકો વધારે પસંદ કરતા હતા. તેમાં જ્હાનવીનો પણ ઉમેરો થયો. જોકે ગ્રુપમાં તે સમયે મેં તેને નોટીસ નહોતી કરી.
- Advertisement -
એક દિવસ હું મારી કંપનીમા હતો અને જ્હાનવીનો બપોરે મેસેજ આવ્યો કેમ છો. મારી પાસે નંબર નહોતો, તેથી મેં સામે કોણ એવો સવાલ કર્યો. તેણે મને તેનું નામ અને એકસાથે ગ્રુપમાં હોવાનું જણાવ્યું. મેં તેને ફ્રી થઇને વાત કરીએ એમ કહ્યું. હું તેની સાથે થયેલી ચેટ ભૂલી ગયો, પણ રાત્રે દસ વાગે અચાનક એનો ફોન આવ્યો. મેં નંબર સેવ નહોતો કર્યો, તેથી ફરી મારે પૂછવું પડ્યું કોણ બોલો. તેણે રીસામણા અવાજમાં કહ્યું કે બસને સાવ આવું, હજી નંબર સેવ નથી કર્યો. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. મને કંઇક નવાઇ લાગી મેં ફરી સામે ફોન કર્યો. તેણે ઉપાડીને કહ્યું કે હું જ્હાનવી બોલું છું. બપોરે આપણે વાત થઇ હતી. મને યાદ આવ્યું અને સ્વાભાવિકપણે મેં તેની માફી માંગી. અમારી વાતચિત આગળ વધી. તેને મારી કવિતા અને ગઝલો ગમે છે, તેમ તેણે મને કહ્યું. મને ગમ્યુ. તેણે પોતે શું કરે છે અને પીજીમાં રહે છે, તે વાતો કરી. આ રીતે અમારે વાતચીતની શરૂઆત થઇ. લગભગ દિવસમાં બેથી ત્રણ વાર અમે ફોન પર વાતચિત અને સમય મળે ત્યારે વોટ્સઅપમાં ચેટ કરી લેતા હતા.
અમે એકબીજાના કુટુંબ અને પરિવારની વાતો પણ કરતા. પસંદ-નાપસંદ વિશે, સ્વભાવ વિશે બધી રીતે અમે એકબીજાથી પરીચિત થવા લાગ્યા હતા. અમે બંને કુંવારા છીએ તેથી ભવિષ્યમાં સાથે રહી શકીએ તેવો વિચાર મારા મનમાં આવ્યો હતો. તેની તરફની મને ખબર નહોતી. હું ફક્ત તેની સાથે થયેલી વાતચિતથી જ તેને ઓળખતો હતો બાકી વ્યક્તિગત રીતે મુલાકાત થઇ નહોતી. અમારા ગ્રુપમાં મારી પોસ્ટ પર તેની અચૂક કોમેન્ટ આવતી અને ક્યારેક તે મારી લખેલી પંક્તિઓ પર કોઇની ફોરવર્ડ પંક્તિઓ એ રીતે મૂકતી કે જાણે સંબંધોનું જોડાણ કરી રહી હોય. અમારા ગ્રુપનો એક પ્રોગ્રામ નક્કી થઇ રહ્યો હતો. તેણે મને અમદાવાદ આવવા માટે કહ્યું. મને પણ તેને મળવાની ઇચ્છા હતી. તેથી મેં પણ ગ્રુપમાં હાજરી નોંધાવી. હું સ્પેશિયલ તેના આગ્રહથી કાર લઇને ગયો. હું ગ્રુપના બીજા મિત્રને ત્યાં રોકાયો અને સાંજે અમે બધા….