-મુશ્તાક અલી ટ્રોફીમાં હવે ગમે ત્યારે ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકાશે, એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મુંબઈમાં 19મી એપેક્સ કાઉન્સીલની બેઠક મળી હતી જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં એવો નિર્ણય પણ સામેલ છે કે ભારતની મહિલા અને પુરુષ બન્ને ટીમો એશિયન ગેમ્સમાં ભાગ લેશે. કુલ મળીને આ બેઠકમાં પાંચ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
- Advertisement -
બીસીસીઆઈની મિટિંગમાં પહેલો નિર્ણય એવો લેવાયો કે બીસીસીઆઈ પોતાના ખેલાડીઓ (નિવૃત્ત ખેલાડીઓ સહિત) માટે વિદેશી ટી-20 લીગમાં તેની ભાગીદારી અંગે એક નીતિ તૈયાર કરશે. આ ઉપરાંત બીસીસીઆઈ સપ્ટેમ્બર-2023માં ચીનના હાંગઝૂમાં રમાનારી એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા એમ બન્ને ટીમને મોકલશે.
જો કે આઈસીસી પુરુષ વર્લ્ડકપ-2023 સાથે એશિયન ગેમ્સનો કાર્યક્રમ હોવાને કારણે બીસીસીઆઈ વિશ્વ કપમાં ભાગ નહીં લેનારા ખેલાડીઓને એશિયન ગેમ્સ રમવા માટે મોકલશે. બોર્ડે ત્રીજો નિર્ણય એવો લીધો હતો કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આગલી સીઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવશે જે આઈપીએલમાં આ વર્ષથી લાગુ પડ્યો હતો. જો કે તેમાં બે ફેરફાર હશે.
ઈમ્પેક્ટ પ્લેયર માટે પહેલો ફેરફાર એ હશે કે ટીમ પ્લેઈંગ ઈલેવનની સાથે સાથે ચાર સબસ્ટીટયુટ પ્લેયર ટોસ પહેલાં સબમીટ કરશે. આ નિયમમાં બીજો ફેરફાર એ છે કે ટીમો મેચ દરમિયાન કોઈ પણ સમયે ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પાછલી સીઝનમાં એક ટીમ ઈનિંગની 14મી ઓવર પહેલાં જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકતી હતી.
- Advertisement -
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને લઈને વધુ એક મોટું એલાન એ થયું કે બેટ-બોલ વચ્ચેની સ્પર્ધાને સંતુલિત કરવા માટે આ ટૂર્નામેન્ટમાં પ્રતિ ઓવર બે બાઉન્સર ફેંકી શકાશે. પાંચમો નિર્ણય એ છે કે બીસીસીઆઈ દેશમાં બનેલા ક્રિકેટ સ્ટેડિયમોને બે તબક્કામાં અપગ્રેડ કરશે. પહેલાં તબક્કામાં એ સ્ટેડિયમ સામેલ થશે જેમને વર્લ્ડકપની મેચો ફાળવવામાં આવી છે જ્યારે બાકીના મેદાનોનો વારો બીજા તબક્કામાં આવશે જ્યારે વર્લ્ડકપ પૂર્ણ થઈ ગયો હશે.