હવે એક વાર પણ બેંગ્લોર સ્લો ઓવર રેટ બદલ દોષિત ઠરશે તો એ મેચમાં કમાન સંભાળનારો કેપ્ટન એક મેચ માટે થઈ જશે પ્રતિબંધિત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર બીસીસીઆઈએ 24 લાખનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પાછલા મુકાબલામાં બેંગ્લોરને સ્લો ઓવર રેટને પગલે આ ફટકાર લાગી છે. કોહલી ઉપરાંત ટીમના અન્ય બે ખેલાડીઓએ પણ આ વખતે દંડ ભરવો પડશે. આઈપીએલની આ સીઝનમાં બેંગ્લોરની ટીમે બીજી વખત ભૂલ કરી છે જેના કારણે કેપ્ટન સહિત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયરને પણ દંડિત કરાયો છે.
- Advertisement -
બીસીસીઆઈ દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, બેંગ્લોર જેણે રાજસ્થાન વિરુદ્ધ પોતાના મુકાબલા માટે વિરાટ કોહલીને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો તેના ઉપર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ એમ.ચિન્નાસ્વામીમાં 23 એપ્રિલે રમાયેલા ટાટા આઈપીએલની મેચમાં સ્લો ઓવર રેટને પગલે આ દંડ લગાવાયો છે. કોહલી ઉપરાંત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ટીમના અન્ય ખેલાડીઓ ઉપર છ લાખ અથવા 25% મેચ ફીમાંથી જે ઓછું હશે તેની દંડરૂપે ભરપાઈ કરવાની રહેશે.
બોર્ડ દ્વારા એવું પણ જણાવાયું છે કે, આઈપીએલના ન્યુનત્તમ ઓવરરેટ અપરાધો સાથે જોડાયેલી આચારસંહિતા હેઠળ તેની ટીમની સીઝનમાં બીજી ભૂલ છે એટલા માટે કોહલીને 24 લાખ દંડ કરાયો છે. બીજી બાજુ જો બેંગ્લોર આ સીઝનમાં ફરીવાર સ્લો ઓવર રેટની દોષિત ઠરશે તો એ મેચમાં જે પણ ટીમનો કેપ્ટન હશે તેના ઉપર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ફાફ ડુપ્લેસીસની આગેવાનીમાં બેંગ્લોરને પહેલીવાર લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ સ્લો ઓવર રેટનું દોષિત ઠેરવાયું હતું. એ સમયે કેપ્ટન ઉપર 12 લાખનો દંડ ફટકારાયો હતો. જ્યારે બીજી વખત ભૂલ થવા પર કેપ્ટનને 24 લાખનો દંડ થાય છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ટીમની કમાન કોહલી સંભાળી રહ્યો હતો તે કારણથી તેણે 24 લાખ ભરવા પડશે.
- Advertisement -