કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું- હું અને દેવજીભાઈ એક જ છીએ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે કોળી સમાજ દ્વારા અષાઢી બીજે સંત વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે પહેલીવાર વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળી હતી. જેમાં કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા ખુલ્લી જીપમાં એકસાથે જોવા મળ્યા હતા. જે-તે સમયે બાવળિયા અને ફતેપરા વચ્ચે સી.આર. પાટીલ સાથેની મુલાકાતને લઈને આંતરિક ખટરાગ ચરમસીમા પર પહોંચ્યો હતો અને બન્નેએ એકબીજા વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતા. પરંતુ આજે શોભાયાત્રા દરમિયાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હું અને દેવજીભાઈ એક જ છીએ.શોભાયાત્રામાં એક રથમાં વેલનાથ બાપુની મૂર્તિ રાખવામાં આવી હતી અને શહેરના રાજમાર્ગો પર આ રથ ફેરવવામાં આવ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને લોકો કાર અને બાઇક સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી હોય કોળી સમાજમા ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે શોભાયાત્રા યોજી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ઉઠી છે. શોભાયાત્રામાં કોળી સમાજના યુવાનો સ્ટંટ કરતા પણ જોવા મળ્યા હતા.