છેલ્લા 3 દિવસમાં 1.80 લાખ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરાયા
બેટ દ્વારકામાં ચાલી રહેલા મેગા ડિમોલેશનનો આજે ચોથો દિવસ છે. આજે ચોથા દિવસે પણ તંત્રનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પણ ધણધણ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ગૌચર, ગામતળ, મરીન વિસ્તારની જગ્યાઓ પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની નાક નીચે વધતા જતા ગેરકાયદેસર દબાણની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવ્યા બાદ સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણકર્તા આસામીઓને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, આ નોટિસોને તેઓએ ફક્ત સામાન્ય કાગળનો સમાન્ય ટૂકડો સમજીને નજર અંદાજ કરતા રેવેન્યુ તંત્રએ પોલીસ પ્રશાસનને સાથે રાખીને શનિવારથી મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. બેટ દ્વારકામાં ચાલી રહેલા મેગા ડિમોલેશનનો આજે ચોથો દિવસ છે.
- Advertisement -
રેન્જ આઈ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં આજે સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં અનઅધિકૃત પાકા બાંધકામ પર સરકારી બુલડોઝર ફેરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં 1.80 લાખ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. 20 જેટલા ધાર્મિક સ્થળો સહિત 45 જેટલા સ્થળો પરથી દબાણ દૂર કરાયું છે. બે દિવસ અગાઉ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બેટ દ્વારકામાં ડ્રગ્સ ડિલર રમઝાન ગલાનીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે જખૌમાં પકડાયેલા ડ્રગ્સ મામલે પોલીસની તપાસમાં રમઝાનની સંડોવણી સામે આવી હતી. આ સાથે પંજરીવાળા બંધુના બંગલા પર પણ સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. અત્યાર સુધીમાં ગૌચર, ગામતળ, મરીન વિસ્તારની જગ્યાઓ પર ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે.
બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળો તોડી પડાયા
ઉલ્લેખનીય છે કે, એક હજારથી પણ વધુ પોલીસ જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકામાં કર્ફ્યૂ જેવા માહોલ વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. દ્વારકામાં મોટું ઓપરેશન હાથ ધરી બેટ, દ્વારકા સહિતના અન્ય નિર્જન ટાપુ પર દબાણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ અગાઉ તંત્ર દ્વારા કોમર્શિયલ વિસ્તારમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત 10 જેટલા શકમંદોને પણ પોલીસે ઉઠાવી લઇ પૂછપરછ માટે ડીટેઈન કર્યા હતા. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.