ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસની ટીમે શહેરમાં ફરતા એક શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશનો હોવાનો ખુલાસો થયો હતો. યુવક પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી તેમજ યુવક પાસે પાસપોર્ટ, વિઝા સહિતના કાગળો ન હોવાથી આ શખ્સ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હળવદ પહોંચ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
26મી જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે તે અનુસંધાને હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે રવિવારે રાત્રીના સમયે દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક ફરતો હતો જેને પોલીસે રોકીને પૂછપરછ કરતા તે બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તેને પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી ત્યારબાદ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી પરંતુ તે બાંગ્લાદેશી ભાષામાં વાત કરતો હોવાથી તેની ભાષા જાણતા વ્યક્તિને બોલાવી તેની પૂછપરછ કરતા તેનું નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી હોવાનું સામે આવ્યું હતું અને તે બાંગ્લાદેશનો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી પાસપોર્ટ, વિઝા, સહિતના કાગળો મળ્યા ન હતા જેથી તેને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને અલગ અલગ રાજ્યમાં ફરીને તે હળવદ પહોંચ્યો હતો જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને આવેલા બાંગ્લાદેશી શખ્સ વિરૂદ્ધ ફોરેનર એક્ટ 1946 કલમ 14 અ(ફ)(બ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. આ કામગીરીમાં હળવદ પીઆઈ એમ.વી.પટેલ, મોરબી એસઓજી પીઆઈ એમ.પી પંડ્યા તેમજ હળવદ પોલીસ અને મોરબી એસઓજીનો સ્ટાફ જોડાયો હતો.