ગૃહમાં સંસદ સભ્યો થેન્ક્યૂ થેન્ક્યૂ કે વંદે માતરમ કે અન્ય સૂત્રોચ્ચાર કરી શકશે નહીં: ગૃહની વ્યવસ્થા અંગે ગૃહમાં કે ગૃહની બહાર ટીકા કરવાની રહેશે નહીં
અધ્યક્ષનું ભાષણ ચાલું હોય ત્યારે ગૃહમાં શાંતિ જાળવવાની રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
આવતા અઠવાડિયે 4 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાના સાંસદો માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાના સાંસદો પર કેટલીક પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ લગાવાયો છે. રાજ્યસભામાં ઉઠાવવામાં આવનાર મુદ્દાની પબ્લિસિટી કરવાની રહેશે નહીં. જ્યાં સુધી અધ્યક્ષ દ્વારા નોટિસ સ્વીકારવામાં આવે નહીં ત્યાં સુધી તેની વિગતો જાહેર કરવાની રહેશે નહીં.
રાજ્યસભા સાંસદોએ થેન્ક્યૂ થેન્ક્યૂકે વંદે માતરમ્ જેવી નારાબાજી કરવાની રહેશે નહીં.
ગૃહનાં અધ્યક્ષ દ્વારા જે કંઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેની ગૃહમાં કે ગૃહની બહાર ટીકા કરવાની રહેશે નહીં. ગૃહમાં પ્લેકાર્ડ લહેરાવવાનાં રહેશે નહીં. અધ્યક્ષનાં મંચ તરફ પીઠ દર્શાવવાની રહેશે નહીં.
- Advertisement -
ગૃહમાં શાંતિ જાળવવાની રહેશે
ગૃહનાં અધ્યક્ષ જ્યારે બોલી રહ્યા હોય ત્યારે કોઈ સભ્યએ ગૃહ છોડીને બહાર જવાનું રહેશે નહીં. અધ્યક્ષનું ભાષણ ચાલુ હોય ત્યારે ગૃહમાં શાંતિ જાળવવાની રહેશે. ગૃહમાં એક સાથે બે સભ્યોએ ઊભા થવાનું રહેશે નહીં. સાંસદોએ સીધું અધ્યક્ષ તરફ જવાનું રહેશે નહીં. તેઓ એટેન્ડન્ટ દ્વારા ચિઠ્ઠી મોકલી શકશે. સભ્યોએ લેખિત ભાષણ વાંચવાનું રહેશે નહીં.