સતવારા સમાજની અવગણના મુદ્દે રાજકોટ ભાજપમાં રાજીનામાનો ધડાકો
પાર્ટીમાં કામ કરવાની તક મળવા બદલ આભાર, ભાજપ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા: દિનેશ કણજારીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના રાજકીય વર્તુળોમાં આજે એક મહત્વપૂર્ણ રાજીનામાથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ ધનજીભાઈ કણજારીયાએ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. દિનેશભાઇ કણજારીયાએ તેમના રાજીનામા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સતવારા સમાજને છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી પ્રક્રિયામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. વારંવાર અવગણના થતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું છે. આ નિવેદનથી સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે. કણજારીયા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર રહી કાર્ય કરી ચૂક્યા છે અને હાલ તેઓ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા. તેઓ ગાંધીગ્રામ સતવારા સમાજના માજી પ્રમુખ અને સતવારા મહામંડળ ગુજરાતના પૂર્વ કારોબારી તરીકે પણ જાણીતા છે. તેમના રાજીનામાથી ખાસ કરીને સતવારા સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વ અંગે પ્રશ્ર્નો ઉઠવા લાગ્યા છે. તેમણે પત્રના અંતમાં પાર્ટીમાં કામ કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગળના સમયમાં ભાજપ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકીય નિરીક્ષકો માને છે કે આ રાજીનામું માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ તેમાં સામાજિક અસંતોષની છાપ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.



