ખાસ-ખબર સંવાદદાતા
શહેરના હાર્દ સમા અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા શખ્સની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. એ સમયે સ્થાનિકોને બેગમાં દારૂ છે. તેની જાણ થતા ગણતરીની સેક્ધડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી. જોકે એ સમયે પોલીસના આગમનનો અણસાર આવી જ હતા તુરંત ટોળું બેગની આસપાસથી ખસી ગયું હતું. ઉપસ્થિત ટોળાએ બેગમાંથી લઈ શકાય એટલી દારૂની બોટલો લઈ અને ત્યાંથી નાસી જવાનું જ યોગ્ય સમજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
યાજ્ઞિક રોડ પર સિટી બસનું બસ સ્ટોપ આવેલું છે. ત્યાંથી રાજકોટીયન્સ મોટી સંખ્યામાં સિટી બસમાં પરિવહન કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓને તેમની શાળા કોલેજે જવા માટે યાજ્ઞિક રોડ પરથી જ સિટી બસ મળી રહે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જે વિસ્તારમાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ચૂંટણીના બીજા જ દિવસે દારૂ ભરેલી બેગ મળતા પોલીસ તંત્ર પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે આ મામલે હાલ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
- Advertisement -
કાયદાનો સરેઆમ ભંગ
નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો છે પરંતુ તે નિયમો કે કાયદાનો અમલ ન થતો હોય તેવી ઘટનાઓ અનેક વાર સામે આવી છે ત્યારે રાજકોટમાં ફરી દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થયો છે એક તરફ તંત્ર દ્વારા ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવાની વાતો કરવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટના હાર્દ સમા વિસ્તાર યાજ્ઞિક રોડ પર આ પ્રકારે દારૂ ભરેલી બેગ મળી આવતા અનેક પ્રકારના તર્ક શરૂ થયા છે.