રાજકોટની યુવતિ 200 મનોદિવ્યાંગ બાળકોની માતા બનીને સેવા કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની એક માતા 200 દિવ્યાંગ બાળકોની યશોદા છે. રાજકોટમાં રહેતી પૂજા પટેલ નામની યુવતીના લગ્ન 2004માં જયપુર રહેતા સુરેશભાઇ સાથે થયા હતાં. 2010માં તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ છ માસ બાદ પુત્ર કોઇ રિસ્પોન્સ આપતો નહોતો અને રડ્યા કરતો. આથી ડોક્ટર પાસે લઇ જતા પુત્રને ઓટીઝમ હોવાનું જાણવા મળ્યું હતું. પૂજાના બધા જ સપના ભાંગીને ભુક્કો થઇ જતા પુત્ર સાથે જ આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બાદમાં ડોક્ટરના એક ફોને તેની જિંદગી બદલી નાંખી અને પતિ સાથે રાજકોટ આવ્યાં. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા સાથે જોડાયા. આજે આ સંસ્થામાં 200 દિવ્યાંગ બાળકોની હોંશે હોંશે જવાબદારી નિભાવી પૂજા પટેલ ’યશોદા’ બની ગઇ છે. ત્યારે તેના આ કાર્યની નોંધ ખુદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધી છે અને તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
- Advertisement -
200 બાળકોની માં બનીને સેવા કરે છે
પૂજા પટેલે જણાવ્યું હતું કે, હું આ સંસ્થામાં જોડાઇ ત્યારે 4થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતાં. અત્યારે 200 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યા છે. જે પૂજા પટેલ એક વખતે દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત 200 બાળકોની માં બનીને સેવા કરી રહી છે. દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજા જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યાં છે. 200 દિવ્યાંગ બાળકોને પુજા ફ્રીમાં જ વિવિધ પ્રવૃતિ શીખવી રહી છે.