એક યુવાને ઈફિ વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી છે. હું માનું છું કે મોટા ભાગના સભ્યોનેઆ વાતમાં રસ પડશે. ઈફિ (ઓરા)ને ગુજરાતીમાં આભા મંડળ કહે છે. ચિત્રોમાં દેવી દેવતાઓનાં મસ્તક ફરતે જે ગોળાકાર પ્રકાશનું ચક્ર દર્શાવવામાં આવે છે તે જ આભામંડળ હોય છે. ભગવાન બુદ્ધની છબીઓમાં આપણે બધાએ આવું આભામંડળ આપણે જોયેલું છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
વાસ્તવમાં આ કોઇ કપોળકલ્પિત વાત નથી. સામાન્યમાં સામન્ય માણસને પણ પોતાનું આભામંડળ હોય છે. આ બીજું કશું જ નથી પણ જે-તે મનુષ્યનાં મનમાં ચાલતા વિચારોનાં પરિણામે તેના દેહની આસપાસ ફેલાતો પ્રકાશ હોય છે. મનુષ્ય જેટલો વધુ સાત્વિક અને પવિત્ર વિચારોવાળો એટલું જ તેનું આભામંડળ વધારે પ્રકાશમાન અને પોઝિટવ. જો કોઇ માણસ દુર્વિચારોમાં રત રહેતો હોય તો તેનું આભામંડળ નિસ્તેજ અને નેગેટિવ હશે.
- Advertisement -
‘ઓરા’ની ક્વોલિટીનો આધાર એક કરતાં વધારે પરિબળો પર રહેલો છે. પૂર્વજન્મનાં કર્મો, વર્તમાન જન્મના સંસ્કારો, વિચાર-વાણી ને વર્તન અને એની સાધના આ બધાનો પ્રભાવ જે તે મનુષ્યના ઓરા પર પડે છે. જે માણસ નિયમિત સિદ્ધયોગની સાધના કરતો હોય તેનો ઓરા ખૂબ શક્તિશાળી હોય છે.
આપણા કરતાં વધારે પ્રભાવક ઓરા ધરાવનાર વ્યક્તિના સ્પર્શથી, તેના એંઠાં ભોજનથી, એક જ રૂમમાં તેવી વ્યક્તિની બાજુમાં ઊંઘવાથી અથવા તેની આંખમાં આંખ પરોવીને જોવાથી તેનાં મનમાં ચાલતા વિચારોનો પ્રભાવ આપણાં મન પર ઝીલાય છે. માટે જ બની શકે ત્યાં સુધી કોઇ અન્ય વ્યક્તિનો સ્પર્શ ટાળવો જોઇએ. આપણાં મનમાં ચાલતા વિચારો પ્રાણ દ્વારા બહાર ફેંકાય છે. પ્રાણ એટલે અહીં શ્વાસના અર્થમાં લેવું. હવા દ્વારા એ વિચારો આપણા શ્વાસમાં પ્રવેશે છે અને આપણાં મન પર અસર પાડે છે. માટે દુર્જનોની સંગત છોડીને સજ્જનોની સોબતમાં રહેવું.
આપણા દેશમાં વડીલો, સાધુઓ અને સંતોનો ચરણસ્પર્શ કરવાનો રિવાજ છે. જમણા પગનો અંગૂઠો એક અદૃશ્ય નાડી દ્વારા સીધો સહસ્રાર ચક્ર સાથે જોડાયેલો છે. પૂજનીય વ્યક્તિનાં સહસ્રારમાંથી નીકળતા પવિત્ર તેજનો ધોધ જમણા પગના અંગૂઠા દ્વારા મહત્તમ માત્રામાં બહાર નીકળે છે. આપણા ચરણસ્પર્શના રિવાજ પાછળ આ રહસ્ય રહેલું છે.
આધુનિક વિજ્ઞાને ઓરાનું સત્ય સાબિત કરી આપ્યું છે. ટ્રિલિયન ફોટોગ્રાફી દ્વારા મનુષ્યનાં આભામંડળનો ફોટોગ્રાફ પાડી શકાય છે. કોઇ વ્યક્તિવિશેષના મહિમામંડનનો આશય રાખ્યા વગર માત્ર પૂરક માહિતી આપું છું; આજથી ચાલીસેક વર્ષ પહેલાં સ્વામી મુક્તાનંદબાબાનાં આભામંડળની તસવીર લેવામાં આવી ત્યારે ટ્રિલિયન ફોટોગ્રાફમાં જોવા મળ્યું હતું કે તેમના દેહમાંથી બ્લૂ રંગના પ્રકાશનો પૂંજ બહાર ઠલવાતો હતો અને મશીન દ્વારા માપવામાં આવ્યું તો જણાયું કે બાબાનો ઓરા સાડા ત્રણ કિલોમીટરના ઘેરાવામાં વિસ્તરતો હતો.
- Advertisement -
જૈન ધર્મમાં ઓરાને લેષ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે શક્ય તેટલો વધુ મંત્રજાપ કરીને આપણો ઓરા દૈદીપ્યમાન અને સકારાત્મક બનાવવાનો પ્રયત્ન કરીએ.