અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની. અમદાવાદની વસ્તી સામે અમદાવાદમાં હાલ કુલ ઑડિટોરિયમની સંખ્યા છે. જેમાંથી ત્રણ (શેઠ મંગળદાસ ટાઉન હોલ, સ્વ. જયશંકર સુંદરી નાટ્યગૃહ અને પ્રેમાભાઇ હોલ) બંધ હાલતમાં છે. જ્યારે જેની સૌથી વધુ માંગ રહેતી તે લો ગાર્ડન નજીક આવેલા ઠાકોરભાઇ દેસાઈ હોલની રીનોવેશન પછી માંગ એકદમ ઓછી થઇ ગઇ છે. પ્રેક્ષકો બે હરોળ વચ્ચે ખુબ જ સંકડામણ હોવાને કારણે ઠાકોરભાઇ દેસાઈ હોલ તરફથી મોઢું ફેરવી રહ્યા છે અને આ જ કારણે જુનામાંથી નવા બનેલા દિનેશ હોલની ડીમાન્ડ ખુબ વધી છે. સુંદર અને આરામદાયક સીટો અને વિશાળ પાર્કીંગને કારણે પ્રેક્ષકો દિનેશ હોલને વધુ પસંદ કરી રહ્યા છે. બીજા નંબરે આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત પંડીત દિનદયાલ હોલ… આ હોલ પણ બેઠકની દૃષ્ટીએ ઘણો આરામદાયક છે. તે પછી આવે છે પાલડી વિસ્તારમાં આવેલું રવિન્દ્રનાથ ટાગોર ઑડિટોરિયમ. આ ઑડિટોરિયમ ખરેખર સૌથી શ્રેષ્ઠ છે. વિશાળ પાર્કીંગ, ફોયર, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની દૃષ્ટીએ જોવા જઈએ તો અમદાવાદનું પ્રથમ નંબરનું ઑડિટોરિયમ ગણી શકાય. ત્યાર બાદ એચ.કે.કોલેજનું ઑડિટોરિયમ પણ સારૂં એવું ચાલી રહ્યું છે. તેનું કારણ આ ઑડિટોરિયમમાં ટેકનીકલ વ્યવસ્થા (સાઉન્ડ, લાઈટ વગેરે) સૌથી શ્રેષ્ઠ છે.
- Advertisement -
છેલ્લી માહીતી મુજબ જયશંકર સુંદરી ઑડિટોરિયમને રીનોવેટ કરીને ફરી તૈયાર કરવાની જવાબદારી રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોપી દીધી છે. એટલે ભવિષ્યમાં અલીશાન જયશંકર સુંદરી ઑડિટોરિયમ બને તેવી પુરી શક્યતાઓ છે. તે જ રીતે હેરીટેજમાં ગણી શકાય તવો બ્રીટીશના જમાનામાં તૈયાર થયેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ મંગળદાસ ટાઉન હોલ પણ રીનોવેટ થાય છે તેવી પણ બીન આધારભૂત માહીતી પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના રાજકોટ ખાતે આવેલા સ્વ. હેમુ ગઢવી ઑડિટોરિયમનું સંચાલન સરગમ ક્લબ જેવી ખાનગી સંસ્થાના હાથમાં હોવાથી ખુબ સરસ રીતે સચવાયો છે તો બીજી બાજુ આ જ વિભાગ હસ્તકનો અને તાજેતરમાં જ રીનોવેટ થયેલો ભાવનગરનો યશવંતરાય હોલ પણ સતત ધમધમતો રહે છે. ભાવનગરમાં બીજો અલીશાન ગણાતો ઝવેરચંદ મેઘાણી હોલ પણ બીજા નંબરે ચાલી રહ્યો છે. સુરતના ગાંધી સ્મુતિ હોલનું હાલ સુરતના નાટ્ય જગતના જાણકારોની સલાહ લઇ રીનોવેશન ચાલી રહ્યું છે. નાટ્ય પ્રવૃત્તિઓમાં હંમેશાં અગ્રેસર રહેતા સુરતને કદાચ આવનારા સમયમાં ગુજરાતના શ્રેષ્ઠ ઑડિટોરિયમની ભેટ મળશે તેવું હાલ લાગી રહ્યું છે. વડોદરા ખાતે સર સયાજીરાવ ઑડિટોરિયમ અને ગાંધીસ્મૃતિ ભવન પણ સારી રીતે ચાલી રહ્યા છે.
સિનેમા ન્યુઝ..
આજે વિશાલ વડાવાલા દિગ્દર્શિત અને પ્રસિદ્ધ પિતાની સિધ્ધ પુત્રી રીવા રાચ્છ અભિનીત ગીર ના બેકડ્રોપ માં તૈયાર થયેલ ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ રીલીઝ થઇ છે.
ગત રાત્રે અમદાવાદના PVR Acropolis ખાતે આ ફિલ્મનો પ્રીમિયર શો યોજાઈ ગયો.
તો બીજી તરફ ગોધરા જેવા મજબુત વિષયને લઈ ને આપણા હીતુ કનોડીયા અને ડેનીસા ઘુમરા અભિનીત હીન્દી ફિલ્મ ‘ગોધરા’ પણ આજથી જ સિનેમાઘરોમાં રજુ થઈ છે.
ગોધરા ફિલ્મના મેકીંગના ખુબ જ વખાણ સાંભળ્યા છે એટલે વિગતે ફિલ્મ જોયા પછી લખીશ.
સાથે સાથે બે ઓગષ્ટે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પણ સાવ નવા વિષય સાથે આવવા તૈયાર છે જેનું પ્રમોશન ખુબ સુંદર રીતે ચાલી રહ્યું છે.
ઑડિટોરિયમના દરવાજેથી…
ગત રાત્રે અમદાવાદના એચ.કે.હોલ ખાતે ગૌરવ પુરસ્કાર નાટ્યકર્મી ભરત વ્યાસ દિગ્દર્શિત અને તેમના જ પુત્ર રાજન વ્યાસ અભિનીત નાટક ‘મળવા જેવો માણસ’નું મંચન થયું.
આ નાટક ONE MAN SHOW હતો, કલાકાર રાજન વ્યાસે સાવ નવા જ અને સુંદર સંદેશ આપતા આ નાટક થકી સતત એક કલાક, પચ્ચીસ મીનીટ સુધી પ્રેક્ષકોને જકડી રાખ્યા.
આજે રાત્રે અમદાવાદ ના ઠાકોરભાઇ દેસાઈ હોલ ખાતે કોમેડીથી ભરપુર નિશીથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત નાટક ‘પત્ની મારી પરમેશ્ર્વર ને હું પત્નીનો દાસ’ ભજવાશે.
રૂષીકેશ ઠક્કર – સંદીપ વ્યાસ લીખીત આ નાટકમાં ખુદ નિશીથ બ્રહ્મભટ્ટ, દિપા ત્રીવેદી, ભુમિકા પટેલ જેવા અનુભવી કલાકારો સ્ટેજ ગજવશે. નાટકના નિર્માતા છે નિરવ શાહ