‘તું ડી સ્ટાફમાં છો, મેં તને હપ્તાઓ આપેલા તેના પુરાવા છે’
સાંસદ રમેશ ધડુકનાં દબાણથી ધર્મેશને પકડવા જતાં જયદીપસિંહને બેફામ ગાળો મળી
ગોંડલ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુન્હામાં સામેલ આરોપીને પોલીસ પકડવા માટે જતા આરોપી હાજર ન હોઈ તેને ફોન કરતા તેણે હેડ કોન્સ્ટેબલને ફોનમાં ગાળો આપી રાજ્યસેવકની ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ થઈ છે. મળતી વિગત મુજબ ગોંડલ સિટી પોલીસ મથકના હેડ કોન્સ જયદિપસિંહ ચૌહાણે ગોંડલ સિટી પોલીસ મથકમાં ગીતાનગરમાં રહેતા ધર્મેશ જગદીશભાઈ જલુ સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સિટી પોલીસ મથકમાં ગોંડલ રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે બાલી તુલીસભાઈ વ્યાસે ધમો આહીર, લીસીયા મુસ્લીમ, અપુડો મુસલમાન (રહે. ગોંડલ) વિરૂધ્ધ મારામારી તથા ધમકીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણમાં પોલીસે લીસીયો દોદેજીત્રાને પકડી લીધો હતો, બે આરોપીઓ પકડવાના બાકી હોઈ તેથી ગઈકાલે ગોંડલ સિટી પોલીસ મથકના પી.આઈ. એમ.આર. અંગાડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ વિશાલભાઈ તથા સર્વેલન્સ સ્ટાફ બાકી રહેલા આરોપીઓને પકડવા માટે આરોપી ધર્મેશ જલુના ઘરે જતા ત્યાં ધર્મેશ હાજર ન હોઈ તેથી તેની માતા અને ભાઈએ ધર્મેશ વિશે પૂછપછર કરતા જે બાબત ધર્મેશને સારૂ ન લાગતા તેણે તા.14નાં રોજ પોતાના મોબાઈલમાંથી ફોન કરી ગાળો આપી કહેલું કે, તું ડી સ્ટાફમાં છો, અને મેં તને હપ્તાઓ આપેલ છે જે તમામ પુરાવાઓ મારી પાસે છે. હું કોનો માણસ છું તેની તને ખબર છે, તું કયાં કયાંથી પૈસા લો છો તે તમામ મને ખબર છે. વગેરે અભદ્ર ભાષામાં ગર્ભીત ધમકીઓ આપી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી આ અંગે પોલીસ ધર્મેન્દ્ર જલુ સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જયદીપસિંહે ગાળો ખાધાનું કારણ શું?
ગોંડલના કુખ્યાત ગુનેગાર ધર્મેશ જલુ અને ગોંડલ ડી સ્ટાફ પોલીસના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં ધર્મેશ જલુ જયદીપસિહ ચૌહાણને બેફામ ગાળો ભાંડે છે છતાં ચૂપચાપ જયદીપસિંહ ગાળો સાંભળી લે છે આ પાછળનું કારણ એવું ચર્ચાય રહ્યું છે કે, ધર્મેશ અને જયદીપસિંહ બંનેની કરમકુંડળી એક જ છે. ધર્મેશ જ જયદીપસિંહનો વહીવટીદાર છે અને જયદીપસિંહના ઘણા બે નંબરના રાઝ પણ તે જાણે છે. જો જયદીપસિંહ ચૌહાણ ધર્મેશ જલુની ગાળો ન ખાતા કે ચૂપચાપ ગાળો સાંભળી ન લેતા તો તેમને બદલામાં મોટી કિંમત ચૂકવવી પડતી એવું જાણવા મળી રહ્યું છે.
રમેશ ધડુકે પોલીસને ધર્મેશ જલુને સીધો દોર કરી નાખવા કહ્યું?
ત્રણ વર્ષ અગાઉ ધર્મેશ જલુએ રમેશ ધડુકના પુત્રને છરી મારી દીધી હતી. એ સમયે રમેશ ધડુક સાંસદ ન હતા. સાંસદ બન્યા બાદ રમેશ ધડુક રાહ જોઈ બેઠા હતા કે ધર્મેશ જલુ ક્યારે કાયદાકીય સકંજામાં આવે? થોડા સમય પહેલા મારામારીના એક બનાવમાં ધર્મેશ જલુ પર ફરિયાદ નોંધાઈ ત્યારે તે ફરિયાદની આડમાં સાંસદ રમેશ ધડુકે ગોંડલ પોલીસને ધર્મેશ જલુને પકડીને સીધો દોર કરી નાખવા જણાવ્યું હતું અને તેથી જ પોલીસ અવારનવાર ધર્મેશ જલુના ઘરે પહોંચી તેને અને તેના પરિવારને હેરાન-પરેશાન કરતી હતી. પોલીસના ત્રાસથી કંટાળીએ ધર્મેશ જલુએ જયદીપસિંહ ચૌહાણને ફોન કરી ગાળો ભાંડી હતી અને તેમને પોતે શું છે અને શું કરી શકે છે તેનો અરીસો બતાવ્યો હતો.
હેડ.કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને કુખ્યાત ગુનેગાર ધર્મેશ જલુની ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…
- Advertisement -
વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ સામે પડધરીમાં નિર્દોષ ખેડૂતને માર માર્યાના કેસ થયો’તો
ગોંડલ સિટી પોલીસ મથકનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા જયદીપસિંહ ખુમાનસિંહ ચૌહાણને ગોંડલનાં જ ધમા અહિરે તું કોની કોની પાસેથી હપ્તા વસુલ કરે છે તેમ કહી બેફામ ગાળો ભાંડી ધમકી દીધા અંગેની ઓડિયો વાયરલ છે. આ પૂર્વે જયદીપસિંહ ચૌહાણ બે વર્ષ પહેલાં પડધરી ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ નિર્દોષ ખેડુત રમેશભાઇ નાથાભાઇ વાઢેરને માર માર્યા અંગેની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી.
અદાલતે પુરાવા ધ્યાને લઇ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવાનો ગત તા.2-2-22ના રોજ આદેશ કર્યો હતો. પડધરીના રમેશભાઇ વાઢેર ગત તા.4-5-20ના રોજ પોતાના ખેતરેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તેને ગ્રામ પંચાયત ચોક પાસે અટકાવી બાઇકના કાગળ માગ્યા હતા અને લોકડાઉન છે તેમ છતા કેમ બહાર નીકળ્યો તેમ કહી ધમકાવ્યા હતા ત્યારે તેઓ લોકડાઉનમાં ખેડુતોને મુક્તિ આપવામાં આવી હોવાનું અને બાઇકના કાગળ ઘરે હોવાનું જણાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણે જાહેરમાં માર માર્યો હતો અને ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી પડધરી પોલીસ મથકે લઇ જઇ ફરી માર મારતા રમેશભાઇ વાઢેરે પોતાને બીપીની બીમારી હોવાનું જણાવ્યું હતુ ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણે તું કાલે મરતો હોત આજે મર કહી માર મારવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ પોલીસ મારા બાપ છે તેવું બોલવાની ફરજ પાડી હોવા અંગેના પુરાવા સાથે રમેશભાઇ વાઢેરે કોર્ટમાં નોંધાવેલી ફરિયાદના આધારે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવા અદાલતે હુકમ કર્યો હતો. જયદીપસિંહ ચૌહાણની પડધરીથી ગોંડલ ખાતે બદલી થયા બાદ ગોંડલમાં પણ તેની ફરજમાં રૂકાવટ અંગેની વધુ એક ફરિયાદ નોંધાવતા ફરી તે વિવાદમાં સપડાયા છે.