એટ્રોસિટીની ફરિયાદમાં આરોપીઓની ધરપકડ ન થઈ હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં એસપી કચેરી બહાર જુના ઘાંટીલા ગામના આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં થોડા સમય પહેલા આધેડે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા તેમને ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે પહેલેથી જ સાબદી બનેલી પોલીસે આધેડને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
- Advertisement -
માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતા કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડાએ થોડા સમય અગાઉ કેટલાક શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફરિયાદ તો લીધી પરંતુ પોલીસ કોઈપણ રીતે આરોપીઓની ધરપકડ કરતી ન હોવાથી આધેડનો અસંતોષ વધ્યો હતો અને જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો એસપી કચેરી બહાર જ આત્મવિલોપન કરવાની ચીમકી પણ જે તે સમયે આધેડે આપી હતી જોકે હજુ સુધી આરોપીઓ પકડાયા ન હોવાથી અંતે કેશવજીભાઈ એસપી કચેરીએ આવી પહોંચ્યા હતા અને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે અગાઉથી હાજર પોલીસની ટીમે આધેડને બચાવવા પ્રયાસ કર્યો હતો તેમ છતાં તેણે થોડી માત્રામાં ઝેરી દવા પી લીધી હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીયત લથડતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.