પોલીસે અત્યાર સુધીમાં 2800ની ધરપકડ કરી
ખાસ-ખબર સંવાદદાતા
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 17 વર્ષના કિશોર નેહલની પોલીસ ગોળીબારમાં હત્યા પછી ભડકે બળેલું આંદોલન શાંત નથી થઈ રહ્યું. રમખાણો રોકવા માટે 45,000 પોલીસ કર્મચારીઓને રસ્તા પર ઉતારવા છતાં સતત પાંચમા દિવસે દેખાવકારોએ દેશભરમાં તોડફોડ-આગ લગાવવાનું ચાલુ રાખ્યું છે અને પરિસ્થિતિ બેકાબૂ છે. પેરિસના એક પરાંમાં મેયર વિન્સેન્ટના ઘરમાં ભીડે કાર ઘૂસાડીને મેયરનાં પત્ની અને બાળકની હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બંનેને ઈજા પહોંચી હતી. દેખાવકારોએ મેયરના ઘરમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં 2800ની ધરપકડ કરી છે.
- Advertisement -
પેરિસના પરાં લય-લે-હોઝના મેયર વિન્સેન્ટ જ્યાંબ્રાંએ રવિવારે જણાવ્યું કે તેમના ઘરે શનિવારે રાતે દેખાવકારોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને અને તેમના પરિવારને નુકસાન પહોંચાડવા માટે આ હુમલો કર્યો હતો. તેમનો પરિવાર રાત્રે સૂઈ રહ્યો હતો ત્યારે તેમણે ઘરમાં પહેલાં એક કાર ઘૂસાડી દીધી, જેમાં મારી પત્ની અને એક બાળકને ઈજા પહોંચી હતી. ત્યાર પછી તેમણે ઘરમાં તોડફોડ કરી અને આગ પણ લગાવી દીધી હતી. આ કાયરતા અને હત્યાનો પ્રયાસ હતો. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ પણ મેયરના ઘર પર હુમલાની આકરી ટીકા કરી હતી. દરમિયાન આંતરિક મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે સતત પાંચમા દિવસે થયેલા રમખાણોમાં પોલીસે 719 લોકોની ધરપકડ કરી છે. તેના થોડાક કલાકો પહેલાં મંત્રાલયે 486 લોકોની ધરપકડ કરાઈ હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, અગાઉના ચાર દિવસની સરખામણીમાં હિંસા એકંદરે ઓછી થઈ છે. સુરક્ષા દળોએ પાંચ દિવસમાં કુલ 2800 લોકોની ધરપકડ કરી છે.
પ્રમુખ મૈંક્રોએ લોકોને શાંતિની અપીલ કરી હતી, પરંતુ દેશભરમાં અનેક શહેરોમાં દેખાવકારોએ અનેક વાહનો અને ઈમારતોને આગને હવાલે કરી દીધી હતી તથા દુકાનોમાં લૂટંફાટ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક સ્થળે પોલીસ અને યુવાન દેખાવકારો વચ્ચે અથડામણ થતી રહી હતી. દેખાવકારોએ અંદાજે 2,500થી વધુ દુકાનોમાં તોડફોડ કરી હતી. પેરિસથી માર્સિલે અને લ્યોન સુધી હિંસાની આગ ફેલાઈ છે.
જોકે, દેશભરમાં ફેલાયેલી હિંસા છતાં પ્રમુખ મૈંક્રોએ ઈમર્જન્સીની જાહેરાત નથી કરી. વર્ષ 2005માં આ જ પ્રકારની પરિસ્થિતિઓમાં ઈમર્જન્સી જાહેર કરાઈ હતી. જોકે, આ વખતે સરકાર રજા પર ગયેલા અધિકારીઓને પાછા બોલાવવાની સાથે સુરક્ષા વ્યવસ્થા વધારવા પર ભાર મૂકી રહી છે. બીજીબાજુ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા કિશોર નેહલને નૈનટેરે ઉપનગરમાં અંતિમ વિદાય અપાઈ અને કબ્રસ્તાનમાં દફન કરી દેવાયો હતો.