લ્યો બોલો હવે નકલી વીજ ટ્રાન્સફોર્મર પકડી પાડતું PGVCL
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
માધવપુર સબ ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે કામ કરતા રવિ બગડાએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવાસા ગામમાં વીજળી ચોરીની એક આયોજન પૂર્વકની ગતિવિધિ ચાલે છે. ત્યારે આ ગામમાં તપાસ કરતા અહીંથી પથ્થરોની ખાણમાં ગેરકાયદેસર રીતે વીજ પુરવઠા દ્વારા ખનીજ ચોરી કરાઈ રહી હતી. PGVCLની 11 કિલો વોટની લાઈનમાં હુક લગાવીને જમીનમાં પથ્થર કાપવાની ચકરડીઓ નકલી ટ્રાન્સફોર્મર લગાડીને તેમાંથી વીજ પુરવઠા દ્વારા ચલાવવામાં આવતી હતી.
- Advertisement -
PGVCLની આ કાર્યવાહીમાં નકલી ટ્રાન્સફોર્મરની સાથે કેટલાક સાધનો પણ કબ્જે કર્યા છે. PGVCLના અધિકારી વિજ ચોરી પકડવા માટે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આખુ વીજ ટ્રાન્સફોર્મર નકલી સામે આવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. હાલ સમગ્ર મામલામાં જે વિસ્તારમાં પથ્થરો કાપવાની ચકરડી ચાલી રહી છે તે દિશામાં પણ PGVCL એ વધુ તપાસ હાથ ધરી છે.
જયારે PGVCL દ્વારા દિવાસા ગામે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેવી જાણ પત્રકાર સંજય વ્યાસ અને નીતિન પરમાર સાથે અન્ય પત્રકારો કવરેજ કરવા ગયા હતા એ સમયે દિવાસાના પાટિયા પાસે ઉભા હતા ત્યારે એક કાર લઈને આવેલ ઈશાન ઉર્ફે મોટીયો ભીખુભાઇ જોશીએ પત્રકારોને ધમકાવાનું શરુ કર્યું હતું અને સંજય વ્રજલાલભાઈ વ્યાસને થપ્પડો મારીને હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ ટીવી ચેનલમાં કઈ આપવાનું નથી તેવી ધમકી આપીને ભાગી છૂટ્યો હતો આ સમગ્ર બનાવ મામલે સંજય વ્યાસે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.



