ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
આજે સવારે 9 વાગ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં મંદિરના ખાનગી સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહ દેવાણંદભા માણેક પર બે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મંદિરના બહાર જવાના ગેટ પર ફરજ બજાવી રહેલા ખુમાનસિંહ માણેકને બે શખ્સો, જેમણે પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા હતા, તેમણે મંદિરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરવાના ઈરાદે કોઈની સાથે મોબાઈલ પર વાત કરવાનું કહ્યું. ખુમાનસિંહે વાત કરવાની મનાઈ હોવાનું જણાવતા જ બંને શખ્સોએ તેમને ઢોર માર માર્યો અને બેહોશ કરી દીધા. ત્યારબાદ, આ બંને શખ્સો મોબાઈલ સહિત ગેરકાયદેસર રીતે મંદિરમાં ઘૂસી ગયા અને સુરક્ષિત રીતે બહાર પણ નીકળી ગયા.
હુમલા બાદ અન્ય સુરક્ષા ગાર્ડની નજર પડતા ખુમાનસિંહને 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. આ બનાવમાં બહારથી આવેલા બંને શખ્સો કોણ છે?
- Advertisement -
જો તેઓ પોલીસ કે સરકારી કર્મચારી હોય તો તેમણે કાયદો કેમ હાથમાં લીધો? આ પ્રશ્નોના જવાબ પોલીસની કાર્યવાહી થશે ત્યારે જ જાણી શકાશે. હાલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં મંદિરની સુરક્ષાને લઈને અનેક ચર્ચાઓ થવા લાગી છે.
મંદિરના ખાનગી સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહ દેવાણંદભા માણેક પર બે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો
આટલો મોટો બનાવ છતાં પોલીસ ક્યાંય ફરકી નહીં !
આટલો મોટો બનાવ બન્યો, રકઝક અને મારપીટ થઈ, અને ઘાયલ ગાર્ડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં સુધી મંદિરની સુરક્ષા માટે તૈનાત પોલીસ ક્યાંય ફરકી નહોતી. આટલું થયા છતાં મંદિર પ્રશાસન, દેવસ્થાન સમિતિ કે અન્ય જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્ટેટમેન્ટ કે કાર્યવાહી બહાર આવી નથી. જે રીતે ગાર્ડને ઢોર માર મારી બેહોશ કરીને બહારથી આવેલા બંને શખ્સો ગેરકાયદેસર રીતે મોબાઈલ સહિત મંદિરમાં ઘૂસી ગયા અને સુરક્ષિત રીતે બહાર પણ નીકળી ગયા, ત્યાં સુધી જગત મંદિરની ણ+ સુરક્ષા સિસ્ટમને ખબર જ ન પડી.જો આવી રીતે કોઈ આતંકવાદીઓ પોતાની મેલી મુરાદ પાર પાડવા મંદિરમાં ઘુસવાની કોશિષ કરે તો આ સુરક્ષા સિસ્ટમ શું કામ આવે?
- Advertisement -