બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ
રફાળેશ્ર્વર પાસે વારંવાર હુમલો-લૂંટની ઘટનાઓ : મોડીરાત્રે ઉદ્યોગકારોનાં SP કચેરીએ ધામા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રફાળેશ્વર નજીક ગઈકાલે બુધવારે ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવી હુમલો કરીને રૂપિયા 2.95 લાખની લૂંટ કરવામાં આવી હતી જેને પગલે ભોગ બનનાર કારખાનેદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જયારે સામાપક્ષે પણ એટ્રોસીટી અને રાયોટીંગની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે સિરામિક ઉદ્યોગપતિ અને મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેઓ હર્ષદભાઈ, કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા અને પાર્થભાઈ સાથે ૠઉં-23-ઇક-8171 નંબરની કારમાં સીરામીક કારખાનાના હિસાબના રૂ. 2.95,000 લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર નજીક પહોંચતા ૠઉં-36-ઋ-0527 નંબરની એસ્ક્રોસ કાર તેમની કાર સાથે અથડાવી કારમાં રહેલા સુલતાન, અજય અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની કાર ઉપર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરીને છુટા પથ્થરના ઘા મારી કારમાં બેઠેલા વ્યક્તિઓને ઈજાઓ કરી હતી તેમજ ફરિયાદીને માર મારી તેમની પાસે રહેલા રૂ. 2.95 લાખ પડાવી લીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા કારખાનેદારની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ શલદફ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ સામાપક્ષે મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમ જયંતીભાઈ મકવાણાએ આરોપી સ્કોડા કાર ચાલક અને દીપભા ગઢવી તેમજ ખીમભા ગઢવી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સ્કોડા કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી ફરિયાદી ગૌતમની કાર સાથે કાર અથડાવી કારમાં બેઠેલા ફરિયાદીના મિત્રો પારસ ઉર્ફે સુલતાન સાથે માથાકૂટ કરી ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી ખીમભા ગઢવીએ અજયને માર મારી તેમજ આરોપી ઉપસરપંચ દીપભા ગઢવી અને અન્ય 10 અજાણ્યા શખ્સોએ લાકડી, ધોકા, તલવાર, ધારીયા સાથે આવી ફરિયાદી તથા સાહેદને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદ્યોગકારોનાં SP કચેરીએ ધામા: યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ
મોરબીના રફાળેશ્વર પાસે ગઈકાલે બુધવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં બનેલા બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સીરામીક ઉદ્યોગકારો રોષે ભરાયા હતા જેથી મોરબી સિરામિક એસોસિએશનના 500 જેટલા ઉદ્યોગકારો સિવિલે દોડી આવ્યા હતા અને ત્યાંથી તમામ ઉદ્યોગકારો એસપી ઓફિસે ગયા હતા જો કે ત્યાં કોઈ અધિકારી હજાર ન હોવાથી ઉદ્યોગકારો રોષે ભરાયા હતા જે દરમિયાન મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ એસપી ઓફિસે દોડી આવ્યા હતા અને તેઓએ મધ્યસ્થી કરી હતી તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલે આ બનાવામાં યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની ઉદ્યોગકારોને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
- Advertisement -
રફાળેશ્વર પાસે પોલીસ સ્ટાફ તૈનાત કરો : ઉદ્યોગકારો
આ ઘટના અંગે ઉદ્યોગકારોએ રોષભેર જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગકારની કાર સાથે જાણી જોઈને અકસ્માત સર્જીને મારામારી કર્યા બાદ સમાધાન પેટે પૈસાની પણ માંગણી કરવામાં આવી છે તેમજ સિરામિક ઉધોગકારો સામે પણ ખોટી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરતા ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત ઉધોગકારોની કાર સાથે વાહન અથડાવી મારામારી કરી પૈસા પડાવવાની ઘટના મામલે કડક કાર્યવાહી થવી જોઈએ અને રફાળેશ્વર પાસે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યાં પોલીસ સ્ટાફ તૈનાત કરવા માંગ કરાઈ હતી.