શિવસેનાએ દાવો કર્યો છે કે, મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી માટેનો ચહેરો નક્કી થયો નથી. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા એકનાથ શિંદેના નામની ચર્ચા થઈ રહી છે. દરમિયાન શિવસેનાએ દાવો કર્યો છે કે, મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીના વડા એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ સ્વીકારશે નહીં. આ બધા વચ્ચે ભાજપની ટોચની નેતાગીરીએ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવ્યા છે.
- Advertisement -
એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત એકનાથ શિંદેના કારણે જ થઈ હતી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નામે લડવામાં આવી હતી. તેઓ મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાને લાયક છે. તેઓ નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં.
સીટ વહેંચણી પહેલા શું નક્કી થયું?
શિવસેનાના ટોચના સૂત્રોએ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે, જો મહાયુતિને બહુમતી મળે છે અને ફરીથી સરકાર બનાવવાની તક મળે છે તો શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે.
- Advertisement -
તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?
સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. તે બેઠકોમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ભાજપ શક્ય તેટલી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે અને ચૂંટણી લડશે. જો કે મહાગઠબંધનમાં કોણ કેટલી બેઠકો જીતે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો પરિણામોમાં મહાગઠબંધનને બહુમતી મળે છે તો શિંદે મુખ્યમંત્રી રહેશે.
ભાજપે રેકોર્ડ 132 બેઠકો જીતી હતી
વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના-NCP ગઠબંધનનો જંગી વિજય થયો છે. મહાયુતિની ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ 132 ઉમેદવારો જીત્યા હતા. શિવસેનાને 57 અને એનસીપીએ 41 સીટો જીતી છે. જેએસએસને 2 સીટ અને આરએસજેપીએ એક સીટ જીતી હતી. આ વખતે ભાજપે ચૂંટણીમાં 149 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે શિવસેનાએ 81 અને એનસીપીએ 59 ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે 2019ની ચૂંટણીમાં 152 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
આ તરફ શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, જો ભાજપ અમારી માંગ (શિંદેને મુખ્યમંત્રી બનાવવા) પૂરી કરે છે, તો તેનાથી લોકોને સારો સંદેશ જશે. જો શિંદે મુખ્યમંત્રી બનશે તો ભવિષ્યની ચૂંટણી અમારા માટે ફાયદાકારક સાબિત થશે. સૂત્રોનું કહેવું છે કે, ભાજપ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર અડગ છે અને ‘બિહાર મોડલ’નો ઇનકાર કરી દીધો છે. વાસ્તવમાં મહાયુતિમાં સહયોગી શિવસેનાના કેટલાક નેતાઓએ સૂચન કર્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ NDAએ બિહારની જેમ શિવસેનાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ મુખ્ય પ્રધાન જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર છે.