કોંગ્રેસના માત્ર બે કોર્પોરેટર હોવાથી કાર્યાલય અને કાર છીનવી લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં વિપક્ષ કાર્યાલય અને વિપક્ષી નેતાને અપાતી કાર સહિતની તમામ સુવિધાઓ પરત ખેંચી લેવાતા બગીચામાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય ખોલી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના માત્ર 2 કોર્પોરેટર હોવાથી કચેરીમાં સ્થિત વિપક્ષ કાર્યાલય શાસકપક્ષ દ્વારા પરત લેવામાં આવ્યું છે. અને સાથે જ વિપક્ષ નેતાની કાર પણ છીનવી લેવામાં આવી છે. જેને લઇ ગઇકાલે કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતેના ગાર્ડનમાં કાર્યાલય શરૂ કરવાની ચીમકી અપાઇ હતી. જે અંતર્ગત આજે સવારે વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણી આજે સામાન્ય નાગરિકની માફક રીક્ષામાં બેસીને આવ્યા હતા. અને બગીચામાં કાર્યાલય ખોલી લોકોની કરિયાદ સાંભળી હતી.
આ તકે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ કહ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચારની સરકાર ચલાવે છે. અને તેમના ભ્રષ્ટાચારો ઉજાગર કરતા અમારી પાસેથી કાર્યાલય અને કારની સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. અમે કાર્યાલયનાં બદલે બેસવા માટેની જગ્યા માંગી હતી. પરંતુ તે પણ નહીં આપવામાં આવતા અહીં બગીચામાં બેસીને લોકોની ફરિયાદ સાંભળું છું. હું લોકોની ચૂંટાયેલી પ્રતિનિધિ છું. ત્યારે લોકો સરળતાથી મારો સંપર્ક કરી શકે તે અત્યંત જરૂરી હોવાથી બગીચામાં લોકોની વચ્ચે બેસીને તેના પ્રશ્નો સાંભળી રહી છું. જોકે અહીં પણ બેસવા માટે મને મંજૂરી લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ લોકોની સેવા કરવા માટે મારે કોઈ મંજૂરીની જરૂર નથી. અને કાર્યાલય કે કાર વિના પણ લોકોની સેવા કરતી રહીશ.
બીજીતરફ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનાં જણાવ્યા મુજબ, અમે જનતાની સેવા કરવા માટે કાર્યાલય તેમજ વાહનની ચાવી પરત આપ્યા બાદ આજે અમે ખુલ્લી જગ્યામાં આ બગીચામાં બેઠા છીએ. બગીચામાં બેઠા-બેઠા પણ લોકોના પ્રશ્નો સોલ્વ થશે. અને ત્રિકોણબાગ ચોકમાં કે ફૂટપાથ પર બેસીને પણ લોકોના પ્રશ્નો સાંભળીશું.