બધો આધાર છે એના જતી વેળાનાં જોવા પર.. મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ
મિલન હંમેશા સુખકર હોય છે. નવસર્જનના નિર્માણ માટે નું સ્ત્રોત હોય છે. આઠ આઠ મહિનાની તરસ અને કાળઝાળ તપીશ અને ભીતરના ઉકળાટ ને વેઠ્યા પછી ધરતી આકાશ સામે આશા ની મીટ માંડી ને જુએ છે..એ ઝંખના,એ સાદ ને સાંભળી આકાશ પણ એ આંતરવેદના થી જાણે ગોરંભાય જાય અને વાદળનું બંધારણ થાય..જાણે કે,કોઈ વિરહી જણ ની પાંપણ નાં નેજે અટકી ને રહેલું કોઈ અશ્રુ બુંદ હોય..! અંતરના અવકાશને ખાલી કરવા આકાશ જાણે કડાકા ભડાકા અને વીજળીના ચમકારે આનરાધાર વર્ષેત્યારે થાય છે, ધરા અને આકાશનું મિલન..! એ મિલન એ આલિંગન એજ પ્રકૃતિના નવસર્જન નું નિર્માણ કરે છે.પાષણ બનેલી ગયેલ ધરતી મેઘવર્ષાનાં અમૃત પાનને મનભરી ને પીધાં પછી જાણે કાચી માટીની જાત બની જતી હોય છે..!
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
- Advertisement -
પ્રકૃતિ હોય કે માણસની જાત, પ્રણય તો બધે સરખો..!
એક રીતે જોઈએ તો મિલનના પણ કેટલાક પ્રકાર હોય છે શાબ્દિક, દૈહિક, અને આત્મિક મિલન! આપણી આસપાસ જીવતી વાર્તાઓ જેવા કેટલાય પાત્રો આવાં સંબંધો જીવતા હશે..! જે સંબંધોમાં મિલનનાં નામે માત્ર ભાવનાઓ,શબ્દો ,અને પ્રાર્થના હોય!આવી લાગણીઓ શાશ્વત હોય છે ચિર કલીન..! મળ્યા વગર પણ જીવંત રહેતો સબંધ અનંત હોય છે. છતાં પણ વિરહ તો ત્યાં પણ આવે જ છે.કારણ કે ,જીવનને કાળનું બંધન હોય છે.
સંજોગો પરિસ્થિતિ અને સમય અનુસાર લાગણીઓ પરિવર્તિત થતી રહે સંબંધોના રૂપ પણ બદલાતા જાય છે.આથી જ સંવેદનાઓ એટલી જ રાખવી જેટલી વેદના સહન કરી શકો..! કારણ કે,દરેક મિલન પછી જુદાઈ નિશ્ચિત હોય છે. હા બસ, સમય ગાળાનો તફાવત રહે છે. ક્યારેક કોઈનું મળવું જીવનભરનો સાથ હોય તો ક્યારેક માત્ર કેટલાક દિવસો અને કેટલાક કલાકો પણ હોય શકે. કોઈ વ્યક્તિને અચાનક મળવું એ આકસ્મિક બનાવ ક્યારેય હોતો નથી.એ ઘટનાની નિયતિ પહેલેથી નક્કી થયેલી જ હોય છે.જે સમયે મળીએ છીએ તે ક્ષણ થી જ કદાચ જુદા થવાની ક્ષણો શરૂ થઈ જતી હોય છે.જેવી રીતે જન્મદિવસે આયુષ્યનું એક વર્ષ ખર્ચાઈ જાય છે બસ કંઈક એવી જ રીતે..! તફાવત બસ એટલો છે કે,આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.પરંતુ કોઈ સ્વજનથી છુટા પડયા ની વેદના આજીવન આપણા દિલ ને દુ:ખી કરતી રહે છે.ઈશ્વર બહુ મોટો ગણિતજ્ઞ છે. તે હંમેશા દરેક વ્યક્તિના કર્મની ખાતાવહી બેલેન્સ કરે છે. ક્યારે, ક્યાં, કોણ, અને કેવી રીતે..? કેટલા સમય માટે..? મળશે અને કઈ ક્ષણથી જુદું પડશે..? એ પહેલે થી જ નિશ્ચિત થયેલું હોય છે. બસ આપણા માટે આ બધી ઘટનાઓ અનિશ્ચિત અને અણધારી હોય છે. એટલે જ તો ક્યારેક કોઈ અંગતનું ઓચિંતુ મળવું કે કોઈ સ્વજન નું અણધાર્યું છોડી જવું બંને પરિસ્થિતિનો સહજ સ્વિકાર કરવો સરળ હોતો નથી.સમય વીતી જાય છે અને સ્મરણો રહી જાય છે..કદાચ જીવન પર્યત..!
ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ..વિખોટું પડવું..! આ શબ્દને સમજવો જરૂરી છે.કેમકે, એ એ શબ્દના અર્થને પચાવ્યા પછી જ આપણે કદાચ જુદા પડવાનો અર્થ સમજી શકીશું. જ્યારે બે વ્યક્તિ પરસ્પર મળે છે પછી એ સંબંધ લોહીનો હોય,લાગણી નો ,સામાજિક કે, વ્યવસાયિકકોઈપણ સંબંધ હોય,પરંતુ પરસ્પર મળનાર બે વ્યક્તિ ત્યારે જ એકબીજાને મળે છે જ્યારે પૂર્વાંતરનાં જન્મમાં કંઈક ઋણાનુબંધ બાકી હોય..! માતા-પિતા-સંતાનો, પતિ પત્ની કે વ્યવસાયિક સંબંધો થી મળનાર વ્યક્તિ ત્યાં સુધી જ સાથે રહી શકશે જ્યાં સુધી પરસ્પર એકબીજા સાથે કશિક લેણા દેણી બાકી હશે.જે ક્ષણ થી લેતી દેતી બરાબર થશે,એ સંપર્ક પણ પૂર્ણ થશે.બંને વચ્ચે જ્યારે કંઈક ખુંટી જશે ત્યારે બંને વ્યક્તિ વિખુટા પડી જશે..!
આજના આ રોબોટિક સમયમાં લોકો માટે પરસ્પર મળવું અને છૂટું પડવું એ એક સામાન્ય રોજીંદા જીવનમાં બનતી ઘટના છે. કારણ કે પ્રવર્તમાન સમયમાં જીવાતા સંબંધો સ્થાયી કે નિરંતર હોતા નથી. નિજ સ્વાર્થ કે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ને પરિપૂર્ણ કરવા માટે જોડાયેલા સંબંધોનું આયુષ્ય પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ પૂરતું જ સીમિત બની જતું હોય છે. આવા સંબંધોમાં મળ્યા પહેલા જ છુટા થઈ જવાની શરતો પણ નક્કી થયેલી હોય છે. આથી આવા સંબંધો જીવતા લોકો માટે અલગ પડવું એ એક સહજ ઘટના કહી શકાય.
આમ છતાં એક સત્ય એ પણ છે કે ખરેખર આંતર મન ની લાગણી થી જોડાયેલ સ્વજન થી શું ખરેખર વિખૂટું પડી શકાય ખરું કે..? છેટુ પડવાથી છૂટું થઈ શકે ખરું કે..? સામાન્ય લાગણી કે સંબંધોની વાત અલગ છે.પરંતુ જ્યાં આત્મીક મિલનની ક્ષણોને માણી હોય એ મિલન ક્યારે ય વિરહમાં પરિણમી શકતું નથી. વ્યવહારો કે સામાજિક બંધનોથી બંધાયેલા સંબંધો સમયાંતરે અંતને પામે છે.પરંતુ આત્માના ઊંડાણથી મળેલા જીવ જન્માંત્તર સુધી છૂટા પડી શકતા નથી.કદાચ સમયનું ચક્ર ક્યારેક ઉલટુ ચાલે અને પ્રત્યક્ષ કે પરોક્ષ મુલાકાત ન થઈ શકે,પરંતુ શાશ્વત સાથેની મુલાકાત તો સતત અનુભૂતિ રૂપે પણ થતી જ રહેતી હોય છે.