સિદ્ધાર્થ રાઠોડ
ઓસ્કાર વાઈલ્ડનું એક પ્રખ્યાત ક્વોટ છે કે દરેક સંતનો એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીનું એક ભવિષ્ય હોય છે. આ વિધાન સમયની માણસમાં પરિવર્તન લાવવાની ક્ષમતાને દર્શાવે છે. દરેક સજ્જનમાં એક દુર્જન છુપાયેલો હોય અને દરેક દુર્જનમાં એક ભલો માણસ છુપાયેલો હોય કે કોઈવાર સમયની દરમિયાનગીરી વડે બહાર આવે છે.
જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવતી હોય છે કે જે આવનારા સમયને ધરમૂળથી બદલી નાખે છે. આવી ક્ષણો બ્લેકહોલના કેન્દ્રમાન પદાર્થ જેવી નક્કર અને વજનદાર હોય છે. આવી ક્ષણો પોતાના વજનથી આવનારા સમયને નવો વળાંક આપી દે છે. તેને પારખનારા વીરલા જૂજ હોય છે. જો આ ક્ષણને અવસર ગણી તેને બરોબર સાધવામાં આવે તો તે ઝીરોને પણ હીરો બનાવવા સક્ષમ છે. અને વાઈસે વર્સા, આ ક્ષણ ચૂકી જાઓ તો તેનો વસવસો આજીવન રહે છે. ઘણીવાર સાચા અથવા ખોટા નિર્ણય કરવા ઝડપી નિર્ણય એ સમયની માંગ હોય છે અને માણસ ગમે તેટલું ધ્યાન રાખે તો પણ તેના નિર્ણયમાં કચાશ રહી જાય છે. આ કચાશ બટરફલાય ઇફેક્ટની જેમ શેક્સપિયરન ટ્રેજેડીમાં પરિણમે છે અને ભેંટ તરીકે જીવલેણ અપરાધબોધ આપે છે.
કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ પણ સમય એટલો સમય પણ ક્યાં આપે છે, ત્યારે તો વીજળીને ચમકારે મોતીડા પરોવવાના હોય છે. આ આપધાપીમાં સાચા-ખોટા, સારા-નરસનો વિવેક મોટેભાગે હારી જાય છે. સામા પક્ષે, બધી બાજુઓને જોવાનું, 360 ડીગ્રી વ્યુ લેવાનું વલણ માણસને અનિર્ણાયક સ્થિતીમાં મૂકીને
’હેમલેટ’ બનાવી દે છે. ટુ બી ઓર નોટ ટુ બી?
તો કરવું શું? કોઈ ચોક્કસ જવાબ નથી. કૃષ્ણએ કહ્યું છે કે ન તો કાળને કોઈ પ્રિય છે કે ન તો કાળને કોઈના પ્રત્યે દ્વેષ છે. ઇન શોર્ટ, સમય જ સર્વોપરી છે.
આ બધા વિચારોની ભરતી એક લો-બજેટ પણ ક્રિસ્પી મુવીને આભારી છે. ’મોન્સૂન શૂટઆઉટ’ – સાવ સામાન્ય લાગતી ટિપિકલ વાર્તામાં આવી જોરદાર ફિલસૂફી મૂકી ઓછા જાણીતા પણ નક્કર પ્રતિભા ધરાવતા કલાકારોને લઈને આવું મૂવી બનાવવું એ બાબત ઉચ્ચકક્ષાની આવડત માંગે છે. ઘણા સમયે એવું મૂવી આવ્યું કે સાવ ઓછો રનટાઇમ (92 મિનિટ) હોવા છતાં સાવ નાના પાત્રને પણ ન્યાય આપે છે.
ફિલ્મની વાર્તા આમ તો ઘણીવાર કહેવાઈ ગયેલી જ છે. એક ઈમાનદાર ઇન્સ્પેકટર એક સડકછાપ ગુંડાની પાછળ પડે છે. મૂષક બિડાલની રમતમાં એક સમયે તે બંને સામસામે આવી જાય છે અને ત્યારે ફિલ્મનો નાયક અસમંજસમાં પડી જાય છે. અપરાધીને જવા દેવો? તેને ઊગતો ડામવા તેનું એન્કાઉન્ટર કરી નાંખવું કે માનવતાના ધોરણે એક મોકો આપવો. અને આ અસમંજસનું પરિણામ શું આવે એ જાણવા ફિલ્મ જોવી રહી. ફિલ્મનું નિર્દેશન અમિત કુમારે કર્યું છે. મુખ્ય ભૂમિકામાં વિજય વર્મા, નવાઝુદ્દીન સિદ્દીકી, ગીતાંજલિ થાપા અને નીરજ કાબી છે. સંગીત આમ ખાસ નથી પણ રોચક કોહલીએ કમ્પોઝ કરેલ અને અરિજીતે ગાયેલ “પલ કૈસા પલ” ગીત ખૂબ જ કર્ણપ્રિય છે. આ મૂવી ખડ ઙહફુયિ પર ઉપલબ્ધ છે.
(શીર્ષક પંક્તિ: કિસન સોસા)