ખાસ-ખબર સંવાદદાતા
કેરળમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કારીપુરમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક યાત્રી પાસેથી કોકેઇન અને હેરોઇન સહિત 44 કરોડ રૃપિયાનું નાર્કોટિસ જપ્ત કરવામાં આવ્યું છે તેમ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ડીઆરઆઇના કોચીન ઝોનલ યુનિટના અંકુશમાં આવતા કાલિકટ રિજિયોનલ યુનિટે ઉત્તર પ્રદેશના મુસાફર નગરના રહેવાસી રાજીવ કુમાર પાસેથી 3.5 કીલો કોકેઇન અને 1.3 કીલો હેરોઇન જપ્ત કર્યુ છે. ડીઆરઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સની કીંમત 44 કરોડ રૃપિયા આંકવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે એર અરેબિયાની ફલાઇટથી કેન્યાના નેરોબથી વાયા શારજાહ થઇને એક યાત્રી ડ્રગ્સ લઇને કેરળ આવી રહ્યો છે. જેના પગલે કાલીકટ ઇન્ટરનેશલ એરપોર્ટ પર યાત્રીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં રાજીવ કુમાર પાસેથી 4.8 કીલો ડ્રગ્સ મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રીએ શૂઝ, હેન્ડ પર્સ, હેન્ડ બેગ, પિક્ચર બોર્ડ અને ફાઇલ ફોલ્ડરમાં ડ્રગ્સ છુપાવીને રાખ્યું હતું.