એ ડિવિઝન પોલીસે અને મુસ્લિમ આગેવાનોની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો
ગઈકાલે રાજકોટના મુખ્યમાર્ગો પર મુસ્લિમ સમાજ દ્વારા ઈદનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું, રાત્રીના 10 વાગ્યા બાદ જુલૂસ ત્રિકોણબાગ પાસે પહોંચ્યું હતું અને નિયમ વિરૂધ્ધ જોરશોરથી જુલૂસ વગાડવામાં આવી રહ્યું હોય પોલીસે ડી.જે.બંધ કરાવતા માહોલ તંગ થઇ ગયો હતો, એક તબક્કે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પર રોફ જમાવવામાં આવ્યો હતો. જો કે શહેરભરની પોલીસ ઉતરી પડતાં રોફ જમાવનાર શાંત થઇ ગયા હતા અને ડી.જે.બંધ કરી રવાના થઇ ગયા હતા. ત્રિકોણબાગ પાસે ડી.જે.બંધ કરવાની સૂચના આપતાં જુલૂસમાં જોડાયેલા લોકો ઉશ્ર્કેરાયા હતા અને રસ્તા પર વાહનો ઊભા રાખી નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું, સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળામાં રહેલા કેટલાક તત્વો ધર્મના નામે ખેલ પાડવાની કોશીશ કરી રહ્યા હતા, વાર્તાલાપથી રસ્તો નીકળવાની સંભાવના ઘટતા પોલીસે બળપ્રયોગની તૈયારી શરૂ કરી હતી અને ટોળાને પહોંચી વળવા પોલીસ સજ્જ બની હતી, પોલીસની તૈયારી જોઇને રોફ જમાવનાર ઢીલા પડ્યા હતા અને ડી.જે.બંધ રાખવાની વાતને સ્વીકારી ત્રિકોણબાગથી શાંતિપૂર્ણ રીતે રવાના થઇ ગયા હતા.