નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા 4 દિવસ સુધી ઓફિસરોને સઘન તાલીમ અપાશે
વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે.ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. જે અંતર્ગત આજથી એ.વી.પી.ટી.આઈ કોલેજ, રાજકોટ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના સુચારૂ વ્યવસ્થાપન માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ અને આસી. રીટર્નીંગ ઓફિસરો માટે 23 થી 26 ઓગસ્ટ સુધી ચાલનાર ચાર દિવસના સર્ટીફીકેટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના આશરે 40 જેટલા આર.ઓ. તેમજ 57 જેટલા એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનિંગ આરઓ, એઆરઓની બે અલગ અલગ બેચમાં શરૂ કરવામાં આવી છે. આજે ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોલિફિકેશન વિષય પર અરુણ આનંદકર દ્વારા રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન તેમજ નોમીનેશન પર અશોક પ્રિયદર્શની દ્વારા આસી. રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ એક્સપર્ટસ દ્વારા જુદા-જુદા 18 સેશનોમાં ચુંટણીની નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાની અને ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ઉંડાણપૂર્વકની જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવશે.