દેવદિવાળી (તુલસીવિવાહ)ના પાવન પર્વ અંતર્ગત
તુલસી રોપા- કુંડા સાથે વિતરણ થકી ધારાસભ્ય ઉદય કાનગડએ ‘જનસેવા સાથે સંસ્કાર સંવર્ધન’નો અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે
કાર્યક્રમમાં હજારો નાગરિકોનો ઉમળકો જોવો એ લોકોની આસ્થા અને વિશ્ર્વાસનું પ્રતિબિંબ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘દરેક ઘરમાં તુલસી, દરેક હૃદયમાં સંસ્કાર’ના સંદેશાને જીવંત બનાવી ‘પર્યાવરણ સેવા’ અને ‘જનસેવા’ના શુભ આશયથી ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સતત ત્રીજા વર્ષે દેવદિવાળી (તુલસીવિવાહ)ના પાવન પર્વ અંતર્ગત પેડક રોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-68 (રાજકોટ પૂર્વ) જનસેવા કાર્યાલય સહિત કુલ 17 સ્થળો ખાતે વિનામૂલ્યે 10 હજારથી વધુ તુલસીના રોપાનું (કુંડા સાથે) વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર માત્ર આનંદ અને ભક્તિ પૂરતો જ નથી રહેતો, પરંતુ તેમાં સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને સંસ્કારની ઝલક પણ સમાયેલ હોય છે. એવી જ રીતે દેવદિવાળી અને તુલસીવિવાહનું પર્વ આપણા સંસ્કાર, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની આદર ભાવના સાથે જોડાયેલો છે. તુલસી માતાનું પૂજન માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ તે આરોગ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતિક છે. તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ આરોગ્ય, શુદ્ધતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક છે. ઘરમાં તુલસીનું વાવેતર અને તેનું જતન આપણા સંસ્કારનું પ્રતિબિંબ છે. આ વિતરણ દ્વારા લોકોમાં તુલસી પ્રત્યે શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વધારવાનો પ્રયત્ન કર્યો છે.
આ તકે વિધાનસભા-68 જનસેવા મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેરના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઈ દુધાત્રા, સીલ્વર મેન્યુફેકચર એસોસિએશનના અનિલભાઈ તરાવીયા, અલ્પેશભાઈ લુણાગરીયા, બેડીપરા લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ એસ. આર. પટેલ, દલસુખભાઈ જાગાણી, મનીષભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવેલ કે તુલસીવિવાહનો પાવન અવસર આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાનો અને નવી પેઢીમાં સંસ્કાર પેદા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા પોતાના મત વિસ્તારમાં સતત ત્રીજા વર્ષે તુલસીના રોપા કુંડા સાથે નિ:શુલ્ક વિતરણ કરાવવાનો આ ઉપક્રમ માત્ર ધાર્મિક નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણપ્રેમીનો જીવંત સંદેશ છે.
- Advertisement -
આ તકે આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહેલ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવેલ કે તુલસીવિવાહનું પર્વ પ્રકૃતિ અને પરંપરા વચ્ચેનો સેતુ છે. તુલસી જેવી ઔષધિય અને પવિત્ર વનસ્પતિના સંવર્ધન દ્વારા પર્યાવરણ જાળવણીનો સકારાત્મક સંદેશ આપે છે.
તુલસીના રોપા- કુંડાનું વિતરણ એટલે ભક્તિ સાથે હરિયાળીને પણ વધાવવાનો સંકલ્પ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સતત ત્રીજા વર્ષે યોજાયું છે, જે એક ઉત્તમ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે એમ આ સેવાકાર્યમાં જોડાયેલ વિધાનસભા-68ના કાર્યકર્તાઓની ટીમના અવિરત પરિશ્રમની સરાહના કરી હતી.



