– પરખ ભટ્ટ
અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ગત બુધવારે વહેલી સવારે સાડા છ વાગ્યે ધરપકડ કરી અને તેને બળજબરીપૂર્વક ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મૂળ વાત અર્ણબના બે વર્ષ પહેલાના અલીબાગ કાંડ વિશેની હતી. તેના પર આરોપ હતો કે, મુંબઈના જ રહેવાસી અન્વે નાયકના સાડા પાંચ કરોડ રૂપિયા અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકો ચાઉં કરી ગયા હતાં, જેના લીધે અન્વે નાયક અને એની માતાએ આત્મહત્યા કરવાનો વખત આવ્યો હતો. પોતાની સ્યુસાઇડ નોટમાં અન્વે નાયક અર્નબ અને એના બે સાથીદારને ઠેરવતાં ગયા. પરંતુ છેલ્લા બે વર્ષથી અર્ણબ પર કોઈ પ્રકારની તપાસ નહોતી થઈ રહી. મહારાષ્ટ્ર અઘાડી સરકાર પર અર્નબ ગોસ્વામીની ચેનલ ‘રિપબ્લિક ભારત’એ કસેલાં સિકંજાને કારણે ઉદ્ધવ ઠાકરેને કોઈ બહાનુ જોઈતું હતું અર્ણબને હેરાન કરવાનું! અને એમને મળી પણ ગયું. સોશિયલ મીડિયા પર આખું અઠવાડિયું હો-હા ચાલી. કેસની વિગતો જોયા-સમજ્યા-જાણ્યા વગર કેટલાકે ટ્વિટર પર હેશટેગ ‘બ્લેક ડે ફોર પ્રેસ’ કેમ્પેઇન ચલાવ્યું. હા, એ વાત સાચી કે અર્નબ હજુ ગુનેગાર ઠર્યો નથી, માટે તેના કેસ પર પૂરતી તપાસ થવી જોઈએ. સમજુ લોકોએ ‘આઇ સપોર્ટ અર્ણબ ગોસ્વામી’ હેશટેગ સાથે સોશિયલ મીડિયા ગજાવ્યું.
- Advertisement -
અમેરિકાની રામાયણનું મહાભારત
ડેમોક્રેટ દાવેદાર જો બાઇડન અને રિપબ્લિકન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજ અઠવાડિયે ખરાખરીનો મુકાબલો રહ્યો. આખી દુનિયાની નજર અમેરિકાની ચૂંટણી પર રહી. હાઇ-વોલ્ટેજ ડ્રામાની માફક ટ્રમ્પ અને બાઇડનને મળેલાં વોટ્સની ગણતરી ચાલી. કેલિફોર્નિયા બાઇડનના ગજવામાં આવી ગયું, જ્યારે ‘હાઉડી મોદી’ કાર્યક્રમના આયોજક ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિજયપતાકા લહેરાવી. બંને પક્ષોના સમર્થકો વ્હાઇટ હાઉસની બહાર ચક્કાજામ મચાવીને બથ્થમબથ્થી પર ઉતરી આવ્યા. અડધી રાતે બંને દાવેદારોએ મીડિયા બોલાવીને પોતપોતાની જીતનો તાયફો યોજ્યો. ટ્રમ્પે તો ત્યાં સુધીના નિવેદનો આપી દીધાં કે અગર પોતે સેક્ધડ પ્રેસિડેન્શિયલ ટર્મ હારે છે તો કાયદાનો સહારો લઈને કોર્ટમાં જશે. બીજી બાજુ, ટ્રમ્પના દીકરા એટલે કે ટ્રમ્પ જુનિયર પોતાની એક ટ્વિટને લીધે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા. એમણે વિશ્વના નકશામાં ભારતને બાઇડન સપોર્ટર ગણાવીને ભારતીયોનો ગુસ્સો વહોરી લીધો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર એમને સવાલો પૂછ્યા કે, ‘મોદી અને ટ્રમ્પ વચ્ચેની દોસ્તીનું શું ભાઈસાહેબ?’
જામનગરની ધરતી પર ભારતના મહાશક્તિશાળી રાફેલનું લેન્ડિંગ
- Advertisement -
થોડા સમય પહેલાં ફ્રાન્સથી પાંચ રાફેલ ભારતની ધરતી પર લેન્ડ થયા હતાં. આ અઠવાડિયે ફરી ત્રણ રાફેલ ભારતને સોંપવામાં આવ્યા, જે બુધવારે હાલારની ધરા પર ગગનભેદી નાદ સાથે લેન્ડ થયા. ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલનો ઑર્ડર ભારતે આપ્યો છે. ફ્રાન્સના એરબેઝથી ભારત સુધીની 7364 કિલોમીટરની ઉડાન રાફેલે રોકાયા વગર ભરી હતી. ગૌરવપ્રદ બાબત એ છે કે પ્રતિ કલાક 2000 કિલોમીટરની સ્પીડ ધરાવતાં પરમાણુ મિસાઇલ વહન કરી શકતા રાફેલ વિમાને આપણા પાડોશી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડવાનું કામ કર્યુ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ આ વિમાનો બંનેમાંથી એકપણ દેશ પાસે નથી. સૌરાષ્ટ્રના રહેવાસીઓ રાફેલના આગમનથી એટલા બધા હરખાઈ ગયા હતાં કે ફટાકડા ફોડીને પોતાની ખુશી પ્રગટ કરી હતી.
જેમ્સ બોન્ડ, નામ તો સૂના હી હોગા!
1962ની સાલમાં પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ ‘ડો. નો’માં મુખ્ય કિરદાર ભજવીને અમર થઈ ગયેલાં મશહુર હોલિવૂડ અભિનેતા શોન કોનેરીના નિધન સાથે એમના ચાહકો સ્તબ્ધ થઈ ગયા. 90 વર્ષની વયના શોન કોનેરીએ 2005ની સાલમાં ફિલ્મોમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેઓ લાંબા સમયથી બિમારીને કારણે પીડાઈ રહ્યા હતાં. ‘મિસ્ટર યુનિવર્સ’ જેવી વિશ્વ સ્તરની મોડેલિંગ સ્પર્ધા જીતી ચૂકેલા શોન કોનેરી એક સમયે યંગસ્ટર્સના હાર્ટથ્રોબ હતાં. આખું અઠવાડિયું વિશ્વના અલગ અલગ અખબારો અને સોશિયલ મીડિયા પર એમને શ્રદ્ધાંજલિ અપાતી રહી. પોતાની પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ માટે ફક્ત 30,000 ડોલરની ફી વસૂલનાર શોન કોનેરી એક સમયે પ્રતિ ફિલ્મ 7,50,000 ડોલરની અધધ ફી વસૂલવા લાગ્યા હતાં. આજે સલમાન ખાન જેમ પોતાનાથી અડધી વયની હિરોઈન સાથે રોમાન્સ કરતો નજરે ચડે છે, એવી જ રીતે શોન કોનેરી પણ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાનાથી અડધી ઉંમરની હીરોઇન સાથે બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
કોરોનાના વળતા પાણી
ગુજરાતમાં કોરોના પ્રવેશ્યો એને સાત મહિનાથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. પહેલા એક દિવસમાં જ્યાં 20-30 મોત નોંધાતા હતાં, ત્યાં હવે આ આંકડો ઘટીને સરેરાશ 1-2 પર આવીને અટકી ગયો છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને શિયાળાએ ગ્રાન્ડ એન્ટ્રી મારી છે, એવામાં ડોક્ટર્સને ભય છે કે ફરી કોરોનાની બીજી લહેર ક્યાંક શરૂ ન થાય! ખાસ કરીને આપણા માટે સૌથી અગત્યનો એવો દિવાળી જેવો તહેવાર નજીક હોવાને લીધે આ ભયમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર કોરોનાની ઘટતી અસરના પરિણામસ્વરૂપ લોકોના બહાર આવન-જાવન પ્રત્યે સતત ચિંતા સેવવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે અગર ગુજરાતીઓ તહેવારમાં વધુ પડતાં બહાર નીકળ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક ભૂલ્યા તો કોરોનાની લહેર ડિસેમ્બરના બીજા અઠવાડિયા અથવા જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ જશે. બ્રિટન અને ફ્રાન્સની માફક ભારતમાં પણ ક્યાંક ફરી વખત લોકડાઉનની પરિસ્થિતિ ન ઉદ્ભવે એ જોવાની જવાબદારી આપણી સૌની છે, કારણકે ભારતના અર્થતંત્રને બીજો ધક્કો હવે પોસાય એમ નથી.