વોટર કલર, પેપર, પેન્સીલ વડે રાજ્યના 16 જાણીતા કલાના કસબીઓ તૈયાર કરી છે કલાત્મક અદભૂત કૃતિઓ
ખાસ-ખબર સંવાદદાતા
વોટર કલર, પેપર, પેન્સીલ વગેરે દ્વારા તૈયાર કરાયેલા કલાના બેનમૂન સ્કેચ-ચિત્રો જોવાનુ ચૂકશો નહી. એ પણ જૂનાગઢના આંગણે. જે રાજ્યના 16 જેટલા જાણીતા કલાના કસબીઓએ આ કલા-કૃતિઓ તૈયાર કરી છે.
જૂનાગઢ મ્યુઝિયમમાં ઓપેરા હાઉસ ખાતે ગ્રુપ આર્ટ એક્ઝિબિશનનો જિલ્લા કલેક્ટર રચિત રાજે પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યશાળા સંસ્થાના ગૌરાંગ વાઢેર કહે છે કે, મોટાભાગે આ પ્રકારના ગ્રુપ આર્ટ એક્ઝિબિશન મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં યોજાતા હોય છે પરંતુ આ આધુનિક કલાથી જૂનાગઢ જેવા નાના શહેરના લોકો પણ પરિચિત થાય અને એક કલા સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય તે માટે આ ચિત્ર પ્રદર્શની અહીં યોજવામાં આવી છે.
- Advertisement -
આ કલાત્મક ચિત્રો કૃતિઓ ગુજરાતમાં 16 કેટલા જાણીતા ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે જે બધા જ રાષ્ટ્રીય સ્તરના આર્ટિસ્ટ છે. આ પ્રદર્શનીમાં રજૂ કરાયેલા ચિત્રો એકાદ વર્ષ પહેલા પ્રકૃતિના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કાગળના માવા વડે તૈયાર કરાયેલ કલાત્મક કૃતિઓ, મેની ક્વિન એટલે કે શોરૂમ બહાર જે પૂતળા હોય તે શો-પીસમાંથી, ઉપરાંત પોસ્ટ કાર્ડ, પેપર વર્ક, એબ્સ્ટ્રેકટ આર્ટ સહિતની આધુનિક કળાની સાંકળતી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે. તેમ ગૌરાંગ વાઢેરે ઉમેર્યું હતું.