ખાસ-ખબર ન્યૂઝના અહેવાલ બાદ પદ્મકુંવરબા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં રાત્રિના સમયે અંધારાનું સામ્રાજ્ય અને દર્દીઓને થતી પરેશાની મુદ્દે 8 ડિસેમ્બરના રોજ ખાસ ખબર ન્યૂઝમાં એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. જેમાં હોસ્પિટલ પરિસર, વોર્ડ અને કોરીડોર સહિતના અનેક સ્થળ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી સારવાર માટે આવતા દર્દીઓને કોઇ પરેશાનીનો સામનો કરવો ન પડે. આ ઉપરાંત પરિસરમાં અંધારાનો લાભ લઇ અનેક આવારા તત્વો ગેરકાયદે પ્રવૃતિ કરતા હોવાનો અનેક દર્દીઓ અને તેમના સગા સબંધીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા લાઇટની વ્યવસ્થા કરવામાં આવતા હવે ગેરકાયદે પ્રવૃતિઓ પર પણ અંકુશ આવશે. આ ઉપરાંત દારૂ સહિતના દૂષણો પણ આ વ્યવસ્થાથી બંધ થશે તેવી આશા સેવાઇ રહી છે.



