ખાસ-ખબર સંવાદદાતા
માંદગીના બિછાને પડેલા ટંકારાના સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે છેલ્લાં 16 વર્ષથી લોકો માંગણી કરી રહ્યા હતા. 16 વર્ષ બાદ ટંકારા સીએચસીમાં એમડી ડોક્ટરને નિમણુંક આપવામાં આવી છે. હાલમાં ટંકારાના ખ્યાતનામ ડો. ચિખલિયાના પુત્ર ડો. દિપ ચિખલિયાની નિમણુંક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારામાં સરકારી હોસ્પિટલમાં વર્ષોથી એમડી ડોક્ટર મુકવા માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ આ મામલે અત્યાર સુધીમાં નક્કર કાર્યવાહી થઈ ન હતી. લોકોની માંગણીને જાણે 16 વર્ષે ન્યાય મળવા જઈ રહ્યો હોય તેમ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટરની નિમણુંક માટે સરકારમાં રજુઆત કરતાંની સાથે જ 16 વર્ષ બાદ અહીં એમડી ડોક્ટર તરીકે ડો. દીપ ચિખલિયાને નિમણુંક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોરબી રોડ પર છાશવારે બનતી દુર્ઘટના સમયે ધાયલ લોકોને સારવાર અર્થે મોરબી કે રાજકોટ જવાની ફરજ પડતી અને અનેક કિસ્સામાં સમયના વેડફાટને કારણે અજૂગતા બનાવ પણ બનતા હતા ત્યારે હવે સીએચસીમાં એમડી ડોક્ટરની નિમણુંક થતા જ સોમવારથી ટંકારાના નાગરિકો માટે સીએચસીમાં ઘટતી સુવિધા મળશે જેથી દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી ધક્કા નહીં ખાવા પડે.