2500 યુવાઓને રોજગારી, નવ યુવા માનવબળ ડેમોગ્રાફિક ડિવિડન્ડ : સીએમ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં 3542 જગ્યા પર ભરતી કરાશે : કુંવરજીભાઈ બાવળિયા
એસ.ટી માત્ર પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ દરેક નાગરિકની લાઇફલાઇન : હર્ષ સંઘવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગૌરવશાળી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજ્યના 2500 જેટલા નવ યુવાનોને રોજગારી આપવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા 2320 કંડક્ટર અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના 144 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ આ નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારતના નિર્માણમાં નવી ગતિ આવશે. એસ.ટી. સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે આ બેય ક્ષેત્રો રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વના છે. એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના વિભાગોમાં શરૂ કરેલા દસ વર્ષીય ભરતી કેલેન્ડરથી મેન પાવર પ્લાનિંગ દ્વારા યુવા, ટેક્નોસેવી અને રાષ્ટ્રહિત સમર્પિત વિચારો ધરાવતું માનવબળ મળશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. સરકારી સેવામાં જોડાનાર તમામ અધિકારોઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, આજે આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારમાંથી સરકારી સેવક બન્યા છો. રાજ્યના છેવાડાના નાગરીકો સુધી પાણી પહોંચાડવાની મહત્વની કામગીરીમાં આપ સૌએ કડીરૂપ ભૂમિકા ભજવવાની છે. જળસંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગમાં આગામી વર્ષોમાં કુલ 3542 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- Advertisement -
એસ.ટી નિગમના કંડક્ટર કક્ષાના 2320 ઉમેદવાર અને પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગોમાં નિમણૂક પામેલા ઉમેદવારોને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા લઈને 2320 ઉમેદવારોને એસ. ટી વિભાગમાં એમની કુશળતાથી નોકરી પ્રાપ્ત કરી એસ.ટી પરિવારમાં જોડાવા બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાત એસ.ટી માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન છે, એસ.ટીની બસો અંતરિયાળ ગામડાંથી લઈને નગરો સુધી તમામ નાગરિકોને પરિવહનની સુવિધા આપે છે. સરકાર દ્વારા 2905 નવી બસો મુસાફરી માટે મૂકવામાં આવી છે. સૌથી વધુ વોલ્વો બસોની સાથે સાથે 27 નવા બસ સ્ટેશનો દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 નવા વર્ક સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે અને 35 નવી પરિયોજનાના ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. જેમાં 20 બસ સ્ટેશન અને 15 ડેપોનો સમાવેશ કરવામાં આવ્યો છે.