દેશના સીમાડાનું રખોપું કરી નિવૃત્ત થયેલાં માજી સૈનિકો સરકાર દ્વારા મળવાપાત્ર લાભોથી વંચિત: ન્યાય આપવા માંગણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
દેશના સીમાડા નું રખોપું કરી નિવૃત થયેલ માજી સૈનિકોને સરકાર દ્વારા મળવાપાત્ર લાભોથી વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવતો હોય સરકારમાં રજૂઆત કરી માજી સૈનિકોને યોગ્ય ન્યાય અપાવવાની માંગણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા નિવૃત્ત સૈનિકોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું છે.
- Advertisement -
આવેદનપત્રમાં જણાવ્યું છે કે માજી સૈનિકો પોતાના અભ્યાસ મુજબ ફરી સરકારમાં નોકરી માટે જોડાઈ શકે માટે કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકારે અનામત સીટની ફાળવણી કરી છે.આ જોગવાઈના સરકાર દ્વારા પરિપત્રો પણ કરી આપવામાં આવેલ છે…આ પરીપત્રો કચરા ટોપલીમાં નાખવામાં આવ્યા હોય તેમ માજી સૈનિકોને અનામત સહિતનો કોઈ પણ લાભ મળતો નથી કારણકે સરકાર દ્વારા કરવામાં આવતી ભરતીમાં માજી સૈનિકોને સરકારના પરીપત્ર પ્રમાણે ભરતી થતી નથી તેમજ સરકારી નોકરીઓમાં લેવાતી પરીક્ષાઓમાં પણ કેટેગરી પ્રમાણે માર્કસની ગણતરી ધ્યાને લેવામાં આવતી નથી આમ માજી સૈનિકોને સરકાર દ્વારા હળાહળ અન્યાય થઈ રહ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં પણ ઘણા બધા બેરોજગાર નિવૃત્ત સૈનિકો છે…જે લાંબા સમયથી સરકારી પરીપત્રો ના નિયમો મુજબના લાભથી વંચિત છે.
સરકારશ્રીના વિવિધ મંત્રાલયો દ્વારા સરકારી નોકરીઓ માટે નિવૃત્ત સૈનિકોને મળતા અનામત સહિતના વિવિધ લાભો મળે તેવી રાજ્ય સરકારને ભલામણ કરવા ગીર સોમનાથ જિલ્લાના માજી સૈનિકો એ જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરી છે.
આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં માજી સૈનિક સંગઠનના પ્રમુખ અશોકભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રામશીભાઈ પરમાર,મંત્રી મેહુલભાઈ ભરગા ઉપરાંત તાલાલા,ઉના,કોડીનાર,વેરાવળ,સુત્રાપાડા,ગીર ગઢડા તાલુકામાં વસવાટ કરતા નિવૃત્ત સૈનિકો જોડાયા હતા